જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કોરોનાની લહેરને પહોંચી વળવા 125 કોવિડ બેડ અને 80 વેન્ટિલેટર્સ તૈયાર

- ત્રણ ઓક્સિજન પ્લાન્ટને પણ તૈયાર કરી દેવાયા : 300 તબીબો અને 700 નર્સિંગ સ્ટાફના ટ્રેનિંગ સેશન શરૂ કરી દેવાયા
જામનગર,તા.11 એપ્રિલ 2023,મંગળવાર
કોરોના વાયરસની ચોથી લહેરની દહેશત જામનગરની સરકારી જીજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં 125 બેડ અને 80 વેન્ટીલેટર તૈયાર કરી લેવાયા છે, સાથો સાથ ત્રણ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે. સાથો સાથ 300 તબીબો અને 700 નર્સિંગ સ્ટાફ માટે ટ્રેનિંગના સેશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
કોરોનાની સંભવિત ચોથી લહેર વચ્ચે ગઇકાલે રાજ્યભરની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની પણ સરકારી જી.જી.હોસ્પિટલમાં તબીબી ટુકડી દ્વારા હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધન, સુવિધા અને સારવાર અંગેની ચકાસણી કરવામાં આવી હતી.

કોરોના વાયરસની ચોથી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી કેન્દ્રની અને રાજ્યની સરકાર પણ સતર્ક બની છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસ થી કોરોનાની સંખ્યામાં ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. દરમ્યાન ગઇકાલે સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અપાતી સારવાર સુવિધા અને સાધનોની ઉપલબ્ધિ વગેરે અંગેની ચકાસણી માટેની એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના કેસની સંખ્યા વધે તો હોસ્પિટલમાં સાધન સુવિધા અને ડોક્ટર શુ ઉપલબ્ધ છે ? તે અંગે તબીબી ટુકડી ઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.દીપક તિવારી ઉપરાંત ડો.વસાવડા, ડો.એસ.એસ.ચેટર્જી, ડો.મનીષ મહેતા, ડો.ભૂપેન્દ્ર ગોસ્વામી, ડો.ભદ્રેશ વ્યાસ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફ વગેરે દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્ક, સાધન, દવા વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. જી.જી.હોસ્પિટલમાં હાલ 125 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 80 વેન્ટિલેટર કાર્યરત છે. તેમજ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ અને ટેન્ક કાર્યરત છે. જેમાં જી.જી.હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે ઓક્સિજન ઉપર અને બે રૂમ એર ઉપર છે. જ્યારે ડોક્ટર ચેટર્જી દ્વારા સંબંધીત તબીબો અન્ય અને સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.

