Get The App

યુક્રેન-રશિયા યુદ્ધનો હવે આવશે અંત? ઝેલેન્સ્કીએ અમેરિકાનું નામ લઈ કર્યો મોટો દાવો

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
યુક્રેન-રશિયા યુદ્ધનો હવે આવશે અંત? ઝેલેન્સ્કીએ અમેરિકાનું નામ લઈ કર્યો મોટો દાવો 1 - image


Russia vs Ukrain War Updates: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પ્રયાસો તેજ થયા છે. યુક્રેનિયન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપતો અમેરિકાનો દસ્તાવેજ સંપૂર્ણ રીતે તૈયાર છે. હવે તેમાં માત્ર સહી કરવાની તારીખ અને સ્થળની વિગત ભરવાની જ બાકી રહી છે.

અબુધાબીમાં મહત્ત્વની બેઠક 

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને વિરામ આપવા માટે આગામી રવિવાર (1 ફેબ્રુઆરી) ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુધાબીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની શક્યતા છે. આ બેઠકમાં અમેરિકા મધ્યસ્થીની ભૂમિકા ભજવશે અને યુદ્ધ રોકવા અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. લિથુઆનિયાની મુલાકાતે આવેલા ઝેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી હતી કે મોટાભાગની બાબતો પર સહમતી બની ચૂકી છે.

આ પણ વાંચો: મિનિયાપોલિસમાં આઈસીઈ એજન્ટોએ વધુ એક અમેરિકનને ઠાર કરતા હોબાળો

અમલીકરણની પ્રક્રિયા 

ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, જો 1 ફેબ્રુઆરીએ બાકી રહેલી બાબતો પર સહમતી સધાઈ જશે, તો બંને પક્ષો સમજૂતીના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરશે. આ સમજૂતી બાદ તે દસ્તાવેજ અમેરિકા અને યુક્રેનની સંસદમાં મોકલવામાં આવશે, જ્યાં તેને મંજૂરી આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવશે. સંસદની મંજૂરી બાદ બંને દેશોના રાષ્ટ્રપતિઓ હસ્તાક્ષર કરશે અને આ સમજૂતી સત્તાવાર રીતે લાગુ થઈ જશે.

સુરક્ષાની ખાતરી 

યુક્રેન માટે સૌથી મહત્વની બાબત અમેરિકા દ્વારા મળનારી સુરક્ષાની ગેરંટી છે. આ દસ્તાવેજ યુદ્ધવિરામ બાદ યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઝેલેન્સ્કીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શાંતિ સ્થાપવા માટેની આ મંત્રણા અત્યંત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.