ઈમિગ્રેશન અધિકારીઓને મિનેસોટામાંથી પાછા બોલાવવા માગ
એલેક્સ પ્રેટી મહિલા દેખાવકારને બચાવવા જતા મોતને ભેટયો મિનિયાપોલિસ, ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસીમાં પણ દેખાવો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી ગેરકાયદે વસાહતીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે મિનેસોટાના મિનિયાપોલીસમાં આઈસીઈ એજન્ટો ઘરે ઘરે જઈને વસાહતીઓની ધરપકડ કરે છે. જોકે, મિનિયાપોલિસમાં આઈસીઈ એજન્ટોએ ગેરકાયદે વસાહતીઓના બદલે આ મહિનામાં બે અમેરિકનોને ઠાર કરતાં ભારે વિવાદ સર્જાયો છે.
આઈસીઈ એજન્ટોએ ૩૭ વર્ષના પુરુષ નર્સ એલેક્સ જેફ્રી પ્રેટીની ગોળી મારી હત્યા કરતા સેંકડો દેખાવકારો રસ્તા પર આવી ગયા હતા. મિનિયાપોલિસમાં આ પહેલાં આઈસીઈ એજન્ટોએ અમેરિકન મહિલા રેની ગૂડને ગોળી માર્યા પછી લોકોમાં ભારે આક્રોશ હતો. આવા સમયે એજન્ટોના હાથે વધુ એક અમેરિકન યુવકની હત્યાની ઘટનાએ વધુ ઘેરા પ્રત્યાઘાત સર્જ્યા છે.
એલેક્સ જેફ્રી પ્રેટીની મોત બાદ મિનિયાપોલિસના અનેક વિસ્તારોમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેખાવકારોને રોકવા માટે ફેડરલ એજન્ટ્સે ટિયર ગેસ અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કરવો પડયો હતો. આ સાથે ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી અને સેન ફ્રાન્સિસ્કોમાં પણ દેખાવો શરૂ થઈ ગયા હતા. શનિવારે વિન્ટર સ્ટોર્મ ફર્મની અસર હેઠળ હાડ થીજાવતી ઠંડી છતાં લોકો પ્રેટીના મેમોરિયલ પર પહોંચ્યા હતા.
જોકે, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એલેક્સ પ્રેટી બંદૂક લઈને એજન્ટો તરફ આગળ વધી રહ્યો હોવાનો અને તેની પાસેથી બંદૂક આંચકી લેવાનો પ્રયાસ કરતી વખતે એજન્ટોએ પોતાના બચાવમાં ગોળીબાર કર્યાનો દાવો કર્યો હતો. જોકે, આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે, જેમાં કંઈક અલગ જ ઘટના જોવા મળે છે. આ વીડિયોએ સરકારી દાવાઓની પોલ ખોલી નાંખી છે. વીડિયોમાં જોવા મળે છે કે પ્રેટી તેના મોબાઈલથી એજન્ટોનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. એક એજન્ટે તેના પર પેપર સ્પ્રે કર્યો. પ્રેટી એક મહિલા દેખાવકારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેને ધક્કો મારીને જમીન પર પાડી દેવાયો ત્યાર પછી તેને ગોળી મરાઈ હતી.એલેક્સ પ્રેટીના પરિવારે કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પ્રેટીના હાથમાં કોઈ હથિયાર નહોતા અને તે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સરકાર દ્વારા ફેલાવાઈ રહેલું જુઠ્ઠાણુ અત્યંત શરમજનક છે. જોકે, પ્રમુખ ટ્રમ્પે આઈસીઈ એજન્ટોનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આઈસીઈ અધિકારીઓએ પોતાના બચાવમાં ગોળી ચલાવી છે.


