World

Explainer: ઇટાલીમાં મેલોની સરકાર સામે યુવાનોનો આક્રોશ, જાણો ભારત માટે શું છે બોધપાઠ

By GS Team
13 Aug 20264 mins read
TukuTouch Logo
ઇટાલીમાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર સામે યુવાનોનો રોષ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. 35 વર્ષથી ઓછી વયના યુવાનોમાં મેલોની સરકારની મંજૂરી માત્ર 25% રહી ગઈ છે. રોજગારીનો અભાવ, શિક્ષણમાં ઓછું રોકાણ અને કડક કાયદાઓથી નારાજ યુવાનો 'નો મેલોની ડે' જેવા વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. 2027ની ચૂંટણીમાં યુવા મતદારો મેલોની માટે મોટો પડકાર બની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ઇટાલીમાં મેલોની સરકાર સામે યુવાનોનો આક્રોશ, જાણો ભારત માટે શું છે બોધપાઠ

Youth angry with Italy's Meloni government: કોઈપણ દેશનું ભવિષ્ય તેના યુવાનોના હાથમાં હોય છે. જ્યારે એ જ યુવા પેઢી પોતાના ભવિષ્ય, રોજગારી અને સમાન તકો માટે રસ્તા પર ઉતરી આવે અથવા રાજકીય રીતે સરકારથી વિમુખ થવા લાગે, ત્યારે મોટામાં મોટા સત્તાધીશોના સિંહાસન ડોલવા લાગે છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં હાલમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં યુવા પેઢી સરકારની આર્થિક અને શૈક્ષણિક નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. પહેલાં દિલ્હીના જંતરમંતર ખાતે અને હવે ઝારખંડમાં યુવાનો પોતાના હક માટે મોરચો માંડીને બેઠા છે. આ જ પ્રકારનો યુવા રોષ અને અસંતોષ હવે યુરોપના દેશ ઇટાલીમાં પણ ઉભરી રહ્યો છે. ત્યાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની યુવા મતદારોમાં વધુને વધુ અપ્રિય બની રહ્યાં છે. તેમની સરકાર સામે યુવાનોનો વિરોધ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે.

ઇટાલીમાં મેલોની સરકાર સામે યુવા અસંતોષ
ઇટાલીમાં 2027ની રાષ્ટ્રીય ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની માટે યુવા મતદારો મોટો પડકાર બની રહ્યા છે. ઓપિનિયન પોલ્સના આંકડા નીચે મુજબ છે.

  • 35 વર્ષથી ઓછી વયના લોકોમાં મેલોની સરકારની મંજૂરી રેટિંગ (Approval Rating) ઘટીને માત્ર 25% રહી ગઈ છે.
  • સમગ્ર વસ્તીમાં મેલોની સરકારની મંજૂરી રેટિંગ 35% છે.

આર્થિક નીતિઓ અને તકોનો અભાવ નડી રહ્યો છે
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, 2022માં પદ સંભાળ્યા પછી મેલોનીએ યુવાનો માટે રોજગારી કે આર્થિક તકો વધારવા માટે કોઈ નોંધપાત્ર સુધારા કર્યા નથી. ઊલટાનું, કાયદો અને વ્યવસ્થાના નામે એવા કડક નિયમો અમલી કરાયા છે, જેની સીધી અસર યુવાનો પર પડી રહી છે.

  • ઓછો રોજગાર દર: યુરોસ્ટેટના ડેટા દર્શાવે છે કે 21 દેશોના યુરો ઝોનમાં 15થી 24 વર્ષની વયના લોકોમાં ઇટાલીનો રોજગાર દર સૌથી ઓછો છે.
  • શિક્ષણમાં ઓછું રોકાણ: ઇટાલી તેના અન્ય યુરોપિયન ભાગીદારો કરતાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઓછું રોકાણ કરે છે.
  • બ્રેઇન ડ્રેઇન (યુવાનોનું પલાયન): બૅંક ઑફ ઇટાલીના જણાવ્યા મુજબ, જર્મનીમાં એક યુવાન સ્નાતક ઇટાલિયન યુવાન કરતાં સરેરાશ 80% વધુ કમાણી કરે છે. આ જ કારણસર દર વર્ષે હજારો યુવાન ઇટાલિયનો બહેતર ભવિષ્યની શોધમાં દેશ છોડી રહ્યા છે.

નાગરિકો શાસક નહીં વિપક્ષી ગઠબંધનના પક્ષમાં
પોલિંગ એજન્સીઓ 'યુટ્રેન્ડ' અને 'SWG'ના આંકડા જોઈએ.

  • 35 વર્ષથી ઓછી વયના 50% યુવાનો મધ્ય-ડાબેરી (Center-Left) વિપક્ષી ગઠબંધન(જેમાં PD, 5-સ્ટાર ચળવળ અને AVS સમાવિષ્ટ છે)નું સમર્થન કરે છે.
  • જમણેરી ગઠબંધનનું શાસન(FDI, લીગ અને ફોર્ઝા ઇટાલિયા)ને યુવાનોમાં 30% કરતાં પણ ઓછું સમર્થન છે.
  • લિંગ વિભાજન: 18થી 29 વર્ષના પુરુષોમાંથી 15% મેલોનીની FDI પાર્ટીને ટેકો આપે છે, જ્યારે આ જ વયજૂથની મહિલાઓમાં આ પ્રમાણ માત્ર 4.2% છે. મહિલાઓનો મોટો વર્ગ (18%) 5-સ્ટાર ચળવળ જેવા પક્ષોને સમર્થન આપે છે.
  • આર્મી જનરલની વધતી લોકપ્રિયતાઃ ભૂતપૂર્વ આર્મી જનરલ રોબર્ટો વેનાચી દ્વારા શરૂ કરાયેલી કટ્ટર-જમણેરી 'નેશનલ ફ્યુચર' ચળવળ પણ સ્થળાંતર વિરોધી યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે, જે મેલોનીના પરંપરાગત વોટબૅંકમાં ગાબડું પાડી શકે છે. ખાસ કરીને ઇમિગ્રન્ટ-વિરોધી શહેરી યુવાનો મોટી માત્રામાં વેનાચીના ટેકામાં જોવા મળી રહ્યા છે.

યુવાનો વિરોધમાં 'નો મેલોની ડે' ઉજવે છે

  • સરકારે રેવ પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો, હળવા ગાંજાના ઉત્પાદન પર રોક લગાવી અને શેરી વિરોધ પ્રદર્શનો પર કડકાઈ દર્શાવવાનું શરૂ કર્યું છે, જે ઇટાલિયન યુવાનોને પસંદ નથી આવ્યું.
  • વર્ષ 2023થી કાયદામાં ફેરફાર કરીને 14થી 17 વર્ષની વયના સગીરોને આકરી સજા કરવાનું શરૂ કરાયું છે, જેના કારણે જેલમાં સગીરોની વસ્તીમાં 50% વધારો થયો છે. આ નિયમ સામે પણ રોષ છે.
  • નવેમ્બર, 2025માં 'નો મેલોની ડે' અંતર્ગત હજારો વિદ્યાર્થીઓએ સુરક્ષા વટહુકમ, શિક્ષણ ખર્ચમાં કાપ અને ગાઝા મામલે સરકારની નીતિઓ સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

યુવાનો 2027ની ચૂંટણીનું પરિણામ બદલી નાંખશે?
સામાન્ય રીતે ઇટાલીમાં યુવા મતદારો મતદાનથી દૂર રહેતા હોય છે, પરંતુ માર્ચ મહિનામાં ન્યાય પ્રણાલીના સુધારા પર યોજાયેલા લોકમતમાં(Referendum) 35 વર્ષથી ઓછી વયના 67% લોકોએ મતદાન કર્યું હતું, જેમાંથી 60% લોકોએ મેલોની-સમર્થિત સુધારાને 'ના' કહીને ફગાવી દીધા હતા.

ભારતના શાસકો બોધપાઠ લેશે?
ઇટાલીમાં યુવાનોએ લોકમતમાં એકજૂથ થઈને સરકારના નિર્ણયને ફગાવી દીધા, તે બતાવે છે કે જ્યારે યુવા વર્ગ સામૂહિક રીતે મતદાન કરે છે ત્યારે તે પરિણામો બદલવાની તાકાત ધરાવે છે. જો ઇટાલી કે ભારતમાં શાસક પક્ષો યુવાનોના રોજગાર, શિક્ષણ અને સ્વતંત્રતા જેવા મૂળભૂત પ્રશ્નોને ગંભીરતાથી નહીં લે, તો આગામી ચૂંટણીઓમાં યુવાનોનો આ રોષ મતદાનમાં પ્રચંડ રૂપે પ્રગટશે અને સત્તાધીશોને સત્તામાંથી ઉખાડી ફેંકશે.