ગર્ભવતી છે દુનિયાની પહેલી AI મંત્રી! 83 બાળકોને આપશે જન્મ, આલ્બેનિયાના PMની ચોંકાવનારી જાહેરાત

Albania AI Minister: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના વધતા પ્રભાવ વચ્ચે આલ્બેનિયામાંથી એક અહેવાલ સામે આવ્યા છે. આલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ જર્મનીના બર્લિનમાં આયોજિત ગ્લોબલ ડાયલોગ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, 'AI પર આધારિત વિશ્વની પહેલી સરકારી મંત્રી ડિએલા (Diella) ગર્ભવતી છે અને તે 83 બાળકોને જન્મ આપશે.' વડાપ્રધાનની આ જાહેરાતથી હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જો કે આ ગર્ભાવસ્થાનો અર્થ તકનીકી ક્ષેત્રે એક મોટું પગલું છે.
83 બાળકો એટલે 83 નવા AI આસિસ્ટન્ટ
વડાપ્રધાન એડી રામાએ જે 83 બાળકોની વાત કરી, તે વાસ્તવમાં 83 નવા AI આસિસ્ટન્ટ છે. આ AI આસિસ્ટન્ટ શાસક સોશિયલિસ્ટ પક્ષના દરેક સંસદ સભ્ય (MP) માટે તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું, 'આજે અમે ડિએલા સાથે એક મોટું જોખમ લીધું અને અમે ખૂબ સારું કર્યું. તેથી પહેલીવાર ડિએલા ગર્ભવતી છે અને તે 83 બાળકને જન્મ આપશે.' આ પગલું દર્શાવે છે કે આલ્બેનિયા સરકાર શાસન અને વહીવટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મોટા પાયે અપનાવવા તૈયાર છે.
આ 83 નવા AI સહાયકો 2026ના અંત સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ 'AI બાળકો' સંસદીય સત્રોમાં ભાગ લેશે, બધી ચર્ચાઓ અને ઘટનાઓ રૅકોર્ડ કરશે, અને તેમના બોસ(સાંસદ)ને સલાહ આપશે કે કયા મુદ્દાઓ પર વળતો હુમલો કરવો અથવા કેવી રીતે પ્રતિભાવ આપવો. ડિએલાનું સમગ્ર જ્ઞાન (ડેટા અને અલ્ગોરિધમ્સ) તેમને ટ્રાન્સફર કરવામાં આવશે.
આ પણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ફરી સંઘર્ષ, તાલિબાને ભીષણ ગોળીબાર કરતાં 5 જવાનોના મોત
દેશને ભ્રષ્ટાચારમુક્ત કરવા માટે ડિએલાની નિમણૂક કરાઈ છે
ઉલ્લેખનીય છે કે, ડિએલા જેનો અર્થ અલ્બેનિયનમાં સૂર્ય થાય છે, જે વિશ્વની પહેલી AI-જનરેટેડ સરકારી મંત્રી છે, જેને પરંપરાગત અલ્બેનિયન પોશાક પહેરેલી મહિલા તરીકે દર્શાવવામાં આવી છે. તેની નિમણૂક સપ્ટેમ્બરમાં આલ્બેનિયાની જાહેર ખરીદી વ્યવસ્થાને સંપૂર્ણપણે પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે કરવામાં આવી હતી.

