પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ફરી સંઘર્ષ, તાલિબાને ભીષણ ગોળીબાર કરતાં 5 જવાનોના મોત

Pakistan Afghanistan Border Clash: રવિવારે પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે અફઘાનિસ્તા સાથેના સરહદી સંઘર્ષમાં પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે; આ સંઘર્ષ, જેણે બંને દેશોના સંબંધોને અસર કરી છે, તે તાજેતરના દિવસોમાં વધ્યો છે. આ હુમલાઓ વચ્ચે જ અફઘાન અને પાકિસ્તાની અધિકારીઓ યુદ્ધવિરામ કરારને લઈને ઇસ્તંબુલમાં બેઠક કરી રહ્યા હતા, જ્યારે તાલિબાન 50 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કરી રહ્યું છે.
ઇસ્તંબુલ બેઠક દરમિયાન અથડામણ
પાકિસ્તાની સેનાના પ્રોપગેન્ડા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન (ISPR) એ X પરની પોસ્ટમાં જણાવ્યું કે, 'આ મહિને થયેલી અથડામણ 2021માં તાલિબાનનું નિયંત્રણ આવ્યા બાદની સૌથી તીવ્ર સરહદી હિંસા છે. આ હુમલાઓ એવા સમયે થયા જ્યારે અફઘાન અને પાકિસ્તાની અધિકારીઓ તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ કરારને લઈને ઇસ્તંબુલમાં વાટાઘાટો કરી રહ્યા હતા.'
પાકિસ્તાને હુમલાના સમય પર સવાલ ઉઠાવ્યો
હુમલાના સમય પર સવાલ ઉઠાવતા સેનાએ હુમલાના સમય પર પ્રશ્ન ઉઠાવીને કહ્યું, 'જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ તુર્કીમાં વાતચીત કરી રહ્યા છે, ત્યારે ફિતના અલ ખ્વારિજ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો થવા એ મહત્ત્વપૂર્ણ છે. આ બાબત વચગાળાની અફઘાન સરકાર પોતાની જમીન પરથી ઉત્પન્ન થતા આતંકવાદના મુદ્દાને સંબોધવા મામલે કેટલા ઇરાદા ધરાવે છે તેના પર શંકા પેદા કરે છે.'
આ અંગે વધુમાં વાત કરતા કહેવામાં આવ્યું કે, 'પાકિસ્તાન સતત વચગાળાની અફઘાન સરકારને તેની સરહદ પર અસરકારક સરહદ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા વિનંતી કરતું રહ્યું છે અને તેની પાસેથી દોહા કરારની તેની જવાબદારીઓનું પાલન કરવાની અને ખ્વારિજ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનની ધરતીના ઉપયોગને રોકવાની અપેક્ષા રાખવામાં આવે છે.'
તાલિબાનને યુદ્ધની ધમકી આપી રહ્યું છે પાકિસ્તાન
અગાઉ, મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે જો ઇસ્તંબુલમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે, તો ઇસ્લામાબાદ અફઘાનિસ્તાન સાથે ખુલ્લા યુદ્ધમાં ઉતરી પડશે. ઇસ્તંબુલમાં આ ચર્ચા 18-19 ઓક્ટોબરે દોહામાં કતાર અને તૂર્કિયેની મદદથી થયેલી શરૂઆતી વાટાઘાટો પછી થઈ છે. તે વાટાઘાટોમાં, બંને દેશો ભીષણ સરહદી સંઘર્ષ પછી તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા હતા, જેમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા.


