કોરોનાને કારણે વિશ્વના ૧.૨૫ અબજ લોકોની નોકરી સામે ખતરો
બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ગંભીર નાણાકીય કટોકટી
વિશ્વના દર પાંચ કામદારો પૈકી ચાર કામદારો એવા દેશના છે જ્યાં લોકડાઉન અમલમાં છે
(પીટીઆઇ) જીનિવા, તા. ૭
કોરોના મહામારીને કારણે વિશ્વના ૧.૨૫ અબજ લોકોની નોકરી સામે ખતરો ઉભો થયો છે તેમ યુનાઇટેડ નેશન્સે આજે જણાવ્યું હતું. યુએનના જણાવ્યા મુજબ બીજા વિશ્વ યુદ્ધ પછી આ સૌથી ખરાબ વૈશ્વિક કટોકટી છે.
યુએનએ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલનો સંદર્ભ આપી જણાવ્યું છેે કે કોરોના મહામારીને કારણે માત્ર ૨૦૨૦ના બીજા કવાર્ટરમાં જ વિશ્વમાં કામકાજના કલાકોમાં ૬.૭ ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે ૧૯.૫ કરોડ ફૂલ ટાઇમ કામદારોની નોકરી જશે.
આ અહેવાલ મુજબ એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌૈથી વધુ લોકોની રોજગારી છીનવાશે. વિશ્વના દર પાંચ કામદારો પૈકી ચાર કામદારો એવા દેશના છે જ્યાં લોકડાઉન અમલમાં છે.
આ અહેવાલ અનુસાર કોરોનાથી ૨૦૦૮ની નાણાકીય કટોકટીને કારણે જે નુકસાન થયું હતું તેના કરતા વધારે નુકસાન થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે સપ્તાહમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી છે.