Get The App

BRICS કરન્સી વિના જ ભારત-ચીન-રશિયાએ ટ્રમ્પના ડૉલરના ડોમિનન્સને પડકારી દીધો?

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
BRICS કરન્સી વિના જ ભારત-ચીન-રશિયાએ ટ્રમ્પના ડૉલરના ડોમિનન્સને પડકારી દીધો? 1 - image


BRICS: આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટમાંથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર, ભારતે હવે રશિયા પાસેથી ખરીદવામાં આવતા ક્રૂડ ઓઇલની ચુકવણી ચીની ચલણ 'યુઆન' માં કરવાનું શરૂ કરી દીધું છે. આ ચુકવણી ભારતની કુલ ડીલની સરખામણીમાં ઓછી હોવા છતાં, તે વૈશ્વિક વેપારમાં ડૉલરના પ્રભુત્વને સમાપ્ત કરવા તરફ ભારત દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ પગલા તરફ ઇશારો કરે છે.

ભલે ભારતે કોઈ નવી 'બ્રિક્સ કરન્સી' બનાવી નથી, પરંતુ ભારત, ચીન અને રશિયા દ્વારા ડૉલરને કિનારે મૂકવાનો આ પ્રયાસ અમેરિકાના 'ડૉલર ડિપ્લોમેસી' માટે એક મોટો સંદેશ છે. હાલમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા બજારમાં એક યુઆનની કિંમત આશરે 12.34 ભારતીય રૂપિયા છે.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 3 ક્રિકેટર્સ સહિત 10ના મોત, સીઝફાયરનું ઉલ્લંઘન

ભારત-રશિયાના વેપારમાં યુઆનનો ઉપયોગ વધ્યો

રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે એ વાતની પુષ્ટિ કરી કે, ભારત હાલમાં મુખ્યત્વે રશિયન ચલણ રૂબલમાં ચુકવણી કરી રહ્યું છે. પરંતુ, વેપારમાં યુઆનનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આ પગલું બ્રિક્સ ચલણ વિના પણ ભારત-ચીન-રશિયાના ત્રિકોણીય ગઠબંધનને મજબૂત કરી રહ્યું છે, જે ડોનાલ્ડ ટ્રમ્પની 'ડૉલર ડિપ્લોમેસી'ને પડકારે છે.

અહેવાલ અનુસાર, ભારતની સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન (IOC)એ તાજેતરમાં બેથી ત્રણ રશિયન ક્રૂડ ઓઇલ કાર્ગો માટે યુઆનમાં ચુકવણી કરી છે. ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધોને કારણે સરકારી રિફાઇનરીઓએ 2023માં યુઆનથી ચુકવણી બંધ કરી દીધી હતી. પરંતુ, હવે ફરીથી આ ચલણનો ઉપયોગ શરૂ થવો એ બંને દેશો વચ્ચે સંબંધો સુધરવાના સંકેત આપે છે.

ટ્રમ્પની ધમકી અને ડી-ડૉલરીકરણ

ભારત દ્વારા ચુકવણી પ્રણાલીમાં આ ફેરફારનું કનેક્શન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન સાથે છે. ટ્રમ્પે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) દેશોને નવી મુદ્રા ન બનાવવાની અથવા ડૉલરના વિકલ્પને સમર્થન ન આપવાની સખત ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો બ્રિક્સ દેશો આવું કરશે, તો તેમના પર 100% ટેરિફ લાગશે અને તેમને અમેરિકન બજારમાંથી વિદાય આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ભારે ફટકો, રશિયન રાજદૂતે પાક.ની બેઇજ્જતી કરી

કેમ લેવાયો આ નિર્ણય?

બ્રિક્સ દેશો ડી-ડૉલરીકરણ (De-dollarization) ઈચ્છે છે, જેથી અમેરિકન ડૉલરનું વૈશ્વિક પ્રભુત્વ ઓછું થાય અને તેમની આર્થિક તેમજ ભૌગોલિક-રાજકીય સ્વાયત્તતા વધે. યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર અમેરિકાએ પ્રતિબંધો લગાવીને તેને SWIFT પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરી દીધું હતું, જેના કારણે બ્રિક્સ દેશોને ડૉલરનો 'હથિયાર' તરીકે ઉપયોગ થવાનો ભય સમજાયો છે.

યુઆન આધારિત વેપાર 'વ્યવહારિક માળખું'

ટ્રમ્પની ધમકી બાદ બ્રિક્સ દેશોએ સંયુક્ત મુદ્રાનો પ્રસ્તાવ ધીમો કરી દીધો છે અને તેના બદલે સ્થાનિક ચલણમાં વેપાર પર ભાર મૂક્યો છે. હવે ભારત દ્વારા રશિયાને ક્રૂડ ઓઇલની ખરીદી માટે યુઆનમાં ચુકવણી કરવી એ બ્રિક્સ કરન્સીથી અલગ એક વચલો રસ્તો છે, જેનાથી ભારતનું કામ પણ થઈ જશે અને ડૉલરના પ્રભુત્વને પણ પડકાર મળશે.

વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઇલના ગ્રાહક એવા ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી માટે 2.5 બિલિયન યુરો (લગભગ 22 હજાર કરોડ રૂપિયા) ખર્ચ્યા હતા. ભારતનો આ યુઆન પ્રયોગ હાલમાં ભૌગોલિક-રાજકીય પગલા કરતાં વધુ એક વ્યવહારિક માળખું (Practical Mechanism) છે, જેથી સસ્તું રશિયન ક્રૂડ ઓઇલ મળી શકે અને પશ્ચિમી પ્રતિબંધોથી બચી શકાય.


Tags :