World

ઈરાન પર ક્યા બોમ્બથી ન્યૂક્લિયર અટેક કરશે ટ્રમ્પ?, ટકર કાર્સનની ચેતવણીથી મચી સનસનાટી

By GS Team
2 Nov 20263 mins read
TukuTouch Logo
અમેરિકા ઈરાનના પિકેક્સ માઉન્ટેન સ્થિત ભૂગર્ભ પરમાણુ અડ્ડા પર આ અઠવાડિયે હુમલો કરી શકે છે. આ દાવો અમેરિકાના રૂઢિચુસ્ત કોમેન્ટેટર ટકર કાર્સને કર્યો છે. જો આ દાવો સાચો પડે તો અમેરિકા B61-11 પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. આ બોમ્બ જમીનની અંદર વિસ્ફોટ કરવા સક્ષમ છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ ટ્રમ્પ પર યુદ્ધ શરૂ કરવા દબાણ કરી રહ્યા હોવાના પણ અહેવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પર ક્યા બોમ્બથી ન્યૂક્લિયર અટેક કરશે ટ્રમ્પ?,  ટકર કાર્સનની ચેતવણીથી મચી સનસનાટી

Iran Pickaxe Mountain US Nuclear Attack Rumors: ઈરાનના પહાડોની અંદર છુપાયેલા પરમાણુ અડ્ડાને નષ્ટ કરવા માટે શું અમેરિકા પરમાણુ બોમ્બ ફેંકી શકે છે? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આ સવાલ પર દુનિયાની નજર ટકેલી છે. ઈરાનના પિકેક્સ માઉન્ટેન સ્થિત અંડરગ્રાઉન્ડ અડ્ડાને નિશાન બનાવવાની ચર્ચા વચ્ચે B61-11 પરમાણુ બોમ્બ અને ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ (MOAB)ના નામ સામે આવી રહ્યા છે. જોકે, ટ્રમ્પ પહેલા જ કહી ચૂક્યા છે કે, ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની જરૂર નથી. અમેરિકાના રૂઢિચુસ્ત કોમેન્ટેટર ટકર કાર્સને રવિવારે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ ફરીથી યુદ્ધ શરૂ કરવાનું દબાણ બનાવી રહ્યા છે. ટકર કાર્સન એક સમયે ટ્રમ્પના કટ્ટર સમર્થક હતા, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે, બંનેના સંબંધો વણસી ચૂક્યા છે. કાર્સનના જણાવ્યા અનુસાર, અમેરિકા આ જ અઠવાડિયે પિકેક્સ માઉન્ટેનમાં આવેલા ઈરાનના અંડરગ્રાઉન્ડ અડ્ડા પર હુમલો કરી શકે છે. જોકે, આ કાર્સનનો દાવો છે. જો કાર્સનનો દાવો સાચો હોય તો નિષ્ણાતો માને છે કે, અમેરિકા પાસે માત્ર એક જ પરમાણુ બોમ્બ છે, જે અંડરગ્રાઉન્ડ વિસ્ફોટ કરી શકે છે. આ B61-11 બોમ્બ છે, જેને આ પ્રકારના હુમલા માટે સંભવિત વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.

પિકેક્સ માઉન્ટેન પર હુમલો મુશ્કેલ કેમ છે?

પિકેક્સ માઉન્ટેન ઈરાનના નતાન્જ પરમાણુ પરિસરની દક્ષિણમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ પહાડની નીચે ઈરાને પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલો એક અત્યંત સુરક્ષિત અડ્ડો તૈયાર કર્યો છે. જોકે, ઈરાને ત્યાં પરમાણુ પ્રવૃત્તિ હોવાનો ઇનકાર કર્યો છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓના અનુમાન મુજબ, આ અડ્ડાનો મુખ્ય ભાગ જમીનથી ઓછામાં ઓછો 100 મીટર નીચે હોઈ શકે છે. તેની ઉપર પહાડનો જાડો ખડકાળ ભાગ છે. આ જ કારણ છે કે, સામાન્ય બોમ્બથી તેને નષ્ટ કરવો અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. અમેરિકા પહેલાથી જ ઈરાનના નતાન્જ, ફોર્દો અને ઈસ્ફહાન સ્થિત પરમાણુ અડ્ડા પર હુમલા કરી ચૂક્યું છે. પરંતુ પિકેક્સ માઉન્ટેન અત્યાર સુધી નિશાના પર નથી આવ્યું.

B61-11 બોમ્બની ખાસિયત શું છે?

B61-11 અમેરિકાનો પરમાણુ બોમ્બ છે, જેને જમીનની અંદર આવેલા મજબૂત અડ્ડાઓને નિશાન બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ B61 બોમ્બ પરિવારનો એક ભાગ છે. તેણે 1997માં અમેરિકી સેનાની સેવામાં સ્થાન મેળવ્યું હતું. આ બોમ્બનું બહારનું માળખું ખૂબ મજબૂત બનાવવામાં આવ્યું છે. જમીન સાથે અથડાયા પછી તે થોડી ઊંડાઈ સુધી ખૂંપી શકે છે, અને પછી વિસ્ફોટ કરે છે. તેનો હેતુ વિસ્ફોટની ઊર્જાને જમીન અને ખડકોની અંદર પહોંચાડવાનો છે, જેથી અંડરગ્રાઉન્ડ સુરંગો અને અડ્ડાઓને નુકસાન પહોંચાડી શકાય. તેનું વજન લગભગ 549 કિલોગ્રામ બતાવવામાં આવ્યું છે. તેની વાસ્તવિક વિસ્ફોટક ક્ષમતા જાહેર કરવામાં આવી નથી. તેની શક્તિના અલગ-અલગ અંદાજ લગાવવામાં આવે છે. કેટલાક અનુમાન તેને 340 કિલો ટન સુધી બતાવે છે, જ્યારે અન્ય એક અનુમાનમાં 400 કિલો ટનનો ઉલ્લેખ છે.

જોકે, આ બોમ્બ પહાડની અંદર 100 મીટર સુધી સુરંગ બનાવીને પહોંચી શકતો નથી. અમેરિકી વાયુસેનાના જણાવ્યા મુજબ, તેનું માળખું તેને જમીનમાં લગભગ 15થી 25 ફૂટ સુધી ધસી જવામાં મદદ કરી શકે છે. ત્યારબાદ વિસ્ફોટથી પેદા થતો તીવ્ર આંચકો ખડકોની અંદર ફેલાય છે, અને અંડરગ્રાઉન્ડ માળખાને નુકસાન પહોંચાડી શકે છે.

શું પરમાણુ બોમ્બ વિના પણ અડ્ડો તબાહ થઈ શકે છે?

ભૂગર્ભ યુદ્ધના નિષ્ણાત ડેફને રિચમંડના મત અનુસાર પિકેક્સ માઉન્ટેનને પરંપરાગત બિન-પરમાણુ બોમ્બથી પણ નિશાન બનાવી શકાય છે. તેમણે 2024માં બેરૂતમાં હિઝબુલ્લાહના પૂર્વ વડા હસન નસરાલ્લાહના અડ્ડા પર ઈઝરાયલી હુમલાનું ઉદાહરણ આપ્યું. તેમના જણાવ્યા મુજબ, ઈઝરાયલે એક જ જગ્યા પર સતત મિસાઈલો છોડી હતી. તેનાથી જમીન અને સિમેન્ટ-કોંક્રીટના સુરક્ષા સ્તરને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બરાકના અનુસાર, તે હુમલામાં 10 સેકન્ડની અંદર 80 ટન વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પિકેક્સ માઉન્ટેનના કિસ્સામાં પણ એક પછી એક અનેક બંકર-બસ્ટર બોમ્બ લગભગ એક જ જગ્યા પર ફેંકવાની જરૂર પડી શકે છે.