બાંગ્લાદેશમાં રાજકીય સંકટનો અંત! રાજીનામાંની ધમકી આપી રહેલા યૂનુસ જ રહેશે વચગાળાની સરકારના પ્રમુખ
Image Twitter |
Mohammad Yunus, chief advisor Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસના રાજીનામાની અટકળો પર હાલ પુરતો પૂર્ણ વિરામ મુકવામાં આવ્યો છે. આયોજન અંગેના સલાહકાર વાહીદુદ્દીન મહમૂદે શનિવારે ઢાકામાં પત્રકારો સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ન તો યૂનુસ અને ના કોઈ અન્ય સલાહકારે રાજીનામાની વાત કરી છે. દરેક પોત- પોતાના હોદ્દા પર છે અને સરકાર દ્વારા સોપવામાં આવેલી ફરજો નીભાવી રહ્યા છે.
બાંગ્લાદેશી અખબાર પ્રોથોમ આલો અનુસાર શનિવારે ઢાકામાં રાષ્ટ્રીય આર્થિક પરિષદની કાર્યકારી સમિતિની બેઠક પછી અચાનક બંધ રૂમમાં વચગાળાની સરકારના સલાહકારોની બેઠક મળી હતી. આ બેઠક પૂર્વનિર્ધારિત નહોતી અને આશરે બે કલાક ચાલી હતી. જેમાં યુનુસે બધા સલાહકારો સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. બેઠક પછી બહાર આવતાં વાહિદુદ્દીને કહ્યું કે, 'મુખ્ય સલાહકાર અમારી સાથે છે. તેમણે રાજીનામા વિશે કોઈ વાત કરી નથી. અમે બધા અમારી જવાબદારીઓ નિભાવી રહ્યા છીએ.'
ચૂંટણી સુધારાઓ પર પણ ચર્ચા થઈ
જોકે, પર્યાવરણીય બાબતોના સલાહકાર સૈયદા રિઝવાના હસન બેઠક ખતમ થાય તે પહેલાં બહાર આવ્યા અને પત્રકારોને જણાવ્યું કે, બેઠકમાં સામાન્ય ચૂંટણીઓ અને જરૂરી સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ તેમણે યુનુસના રાજીનામા અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
આ પણ વાંચો: ટેરિફ વૉર : ટ્રમ્પે Apple બાદ હવે Samsungને નિશાને લીધી, આપી ચેતવણી
મોહમ્મદ યુનુસના રાજીનામાની ચર્ચા થઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાત્રે વચગાળાની સરકારના પૂર્વ સલાહકાર અને NCP નેતા નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે, 'યુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. યુનુસ હતાશા અનુભવી રહ્યા હતા અને રાજકીય પક્ષો સાથેના મતભેદોને કારણે યોગ્ય રીતે કામ કરી શકતા નથી.' નાહિદે તો ત્યાં સુધી કહ્યું હતું કે, 'યુનુસે નવી વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી અને પોતે પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.'