ટેરિફ વૉર : ટ્રમ્પે Apple બાદ હવે Samsungને નિશાને લીધી, આપી ચેતવણી
Donald Trump's 25% Tariff Threat: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ગઈકાલે એપલને દેશની બહાર ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી હતી. ત્યારબાદ ટ્રમ્પે સ્પષ્ટતા આપી હતી કે, આ ટેરિફ માત્ર એપલ પર જ નહીં, પણ સેમસંગ જેવા અન્ય સ્માર્ટફોન મેકર્સ પર પણ લાગુ થશે. ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકને જણાવ્યું હતું કે, જો તેઓ અમેરિકાની બહાર ભારત સહિત અન્ય દેશોમાં આઈફોનનું ઉત્પાદન કરશે તો તેમણે પ્રોડક્ટ વેચવા માટે 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ પર આ જાહેરાત કર્યા બાદ વ્હાઈટ હાઉસ ખાતે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, અમેરિકામાં વેચાણ કરતી સેમસંગ સહિત કોઈપણ સ્માર્ટફોન કંપની પર આ ટેરિફ લાગુ થશે. એપલ અમેરિકામાં અફોર્ડેબલ આઈફોનના ઉત્પાદન કરી શકે છે. તેની મોટાભાગની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ઓટોમેટેડ બની છે. આ સુવિધા સાથે તે વધુ સરળતાથી અને ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકે છે. એપલ હાલ અમેરિકામાં 6 કરોડ આઈફોનનું વેચાણ કરે છે.
સેમસંગ સહિત અન્ય સ્માર્ટફોન મેકર્સને પણ ટાર્ગેટ કરી
ટ્રમ્પના આ ટેરિફની ભીતિ માત્ર એપલ સુધી સીમિત નથી. તેમણે પોલિસીમાં સ્પષ્ટતા આપી છે કે, તેની અસર દક્ષિણ કોરિયન કંપની સેમસંગ પર પણ થશે. સેમસંગ પણ અમેરિકામાં મોટાપ્રમાણમાં સ્માર્ટફોનનું વેચાણ કરે છે. પરંતુ તેના મોટાભાગના ઉત્પાદન દક્ષિણ કોરિયા, વિયેતનામ, ભારત અને બ્રાઝિલમાં થાય છે. વર્ષો પહેલાં ચીનમાંથી એક્ઝિટ લીધા બાદ પણ સેમસંગ અમેરિકામાં ઉત્પાદન કરતી નથી. તેથી તેણે પણ આ ટેરિફ ચૂકવવો પડશે. આ સિવાય અમેરિકામાં વેચાણ કરી રહેલા અન્ય કોઈપણ ફોન મેકર પર ટેરિફ લાગુ થશે. નહીં તો આ નિયમ અન્યાયી ગણાશે.
આ પણ વાંચોઃ અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી
ભારતમાં ઉત્પાદન વધારી રહી હતી એપલ
આઈફોન મેન્યુફેક્ચરર એપલ ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા સતત વધારી રહી છે. સીઈઓ ટીમ કૂકે અગાઉ પોતાના રોકાણકારોને કહ્યું હતું કે, અમેરિકામાં વેચાતાં મોટાભાગના આઈફોનના ઉત્પાદન ભારતમાં થશે. કંપની તેની સપ્લાય ચેઈનને ડાયવર્સિફાય કરી રહી છે. પરંતુ ટ્રમ્પના આ નવા ટેરિફ નિયમથી કૂકની આ યોજના ખોરંભે ચડી શકે છે.
અમેરિકામાં આઈફોન બનાવવો મોંઘો
એપલે અગાઉ પણ અમેરિકામાં આઈફોનના ઉત્પાદન મામલે લાંબી દલીલ કરી હતી કે, અમેરિકામાં આઈફોનની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધુ હોવાથી ફોનના ભાવ વધી શકે છે. નિષ્ણાતોના મતે અમેરિકામાં એશિયાની જટિલ સપ્લાય ચેઈનના માધ્યમથી આઈફોનની કોસ્ટ 30 અબજ ડોલર છે. જે અમેરિકામાં ઉત્પાદન કરવાથી ત્રણ ગણી 1000 ડોલર સુધી વધી શકે છે.