'અમે દિલથી આભાર માનીએ છીએ...' ટ્રમ્પનો મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ
PM Modi Reply to Donald Trump: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ રિપ્લાય કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરી હતી, જેમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ 'X' પર કરી પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર લખ્યું કે, 'અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકાના સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ અને તેમનું સમર્થન કરીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત સકારાત્મક અને દૂરદર્શી વ્યાપક તથા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.'
ટ્રમ્પે શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઓવલ ઑફિસમાં કહ્યું હતું કે, 'ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં, મોદી અને હું મિત્રો રહીશું. તે એક મહાન વડાપ્રધાન છે. તે મહાન છે, પરંતુ હાલ મોદી જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. જો કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે.'