...તો વિશ્વમાં હડકંપ મચી જાત, ટેરિફમાં ભારતને 'સજા' અને ચીનને 'મજા' કરાવવા અંગે અમેરિકન વિદેશમંત્રીનો ખુલાસો
Us India Trade Deal: રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાના પ્રતિબંધો મામલે બેવડા વલણ પર હવે ટ્રમ્પના વિદેશ મંત્રીએ સ્વીકાર્યું છે કે, જો અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મામલે ભારતની જેમ ચીન પર પણ પ્રતિબંધ લાગુ કર્યા હોત તો વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો હોત. ચીને અગાઉ પણ અમેરિકાના ટેરિફનો આકરો જવાબ આપ્યો હતો. તો બીજી બાજુ અમેરિકાએ ભારત પર રશિયા સાથે વેપારના બદલામાં મસ મોટો ટેરિફ તેમજ પેનલ્ટી લાદી છે.
શા માટે ચીનને આપી રાહત?
રૂબિયોએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યું હતું કે, જો અમેરિકા ચીનની રિફાઇનરીને ટાર્ગેટ બનાવે તો વૈશ્વિક ક્રૂડ બજારમાં વિનાશકારી પરિણામો આવી શકે છે. રશિયન ક્રૂડ રિસર્ચ માટે ચીન પર વધારાના પ્રતિબંધો લાદવામાં આવે તો વિશ્વભરમાં ક્રૂડના ભાવ વધી શકે છે. ચીન રશિયા પાસેથી ક્રૂડ ખરીદી તેને રિફાઇન કરે છે અને બાદમાં તે રિફાઇન્ડ ઓઇલ વૈશ્વિક બજારમાં વેચે છે. ચીન ઘણું ઓઇલ યુરોપમાં વેચી રહ્યું છે. જેથી જો ચીન પર પ્રતિબંધો કે ટેરિફ લાદવામાં આવે તો તેની અસર ક્રૂડના ભાવો પર થઈ શકે છે. વિશ્વમાં હડકંપ મચી શકે છે.
ચીન-ભારત પર 100 ટકા ડ્યૂટીની ચર્ચા
ઇન્ટરવ્યુમાં યુરોપ પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું હોવા મામલે એક સવાલ કરવામાં આવ્યો હતો કે, શું અમેરિકા યુરોપ પર પણ પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે? તેનો જવાબ આપતાં રૂબિયોએ કહ્યું કે, 'જુઓ, મને યુરોપ પર પ્રત્યક્ષ રૂપે પ્રતિબંધો વિશે જાણકારી નથી. પરંતુ નિશ્ચિત રૂપે સેકેન્ડરી પ્રતિબંધો લાદી શકે છે. આ મામલે અમેરિકા યુરોપિયન દેશો સાથે 'જૈસે કો તૈસા'ના વિવાદમાં પડવું નથી. વધુમાં અમેરિકાના સિનેટમાં પ્રસ્તાવિત બિલમાં ચીન અને ભારત પર 100 ટકા ડ્યુટીની ચર્ચા હતી. પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં લેતાં નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો.'