Get The App

158 વર્ષ અગાઉ રશિયાએ કેમ વેચ્યું હતું અલાસ્કા? બરફની વેરાન જમીનથી માલામાલ થયું અમેરિકા

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
Alaska deal between Russia and America


Alaska deal between Russia and America: 15 ઑગસ્ટના રોજ એટલે કે શુક્રવારે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કાના એન્કોરેજમાં મળવાના છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ યુક્રેન યુદ્ધ કેવી રીતે સમાપ્ત કરવું તે અંગે ચર્ચા કરવાનો છે. ટ્રમ્પે રશિયાને યુદ્ધવિરામ ન કરવા બદલ વધુ પ્રતિબંધોની ચેતવણી પણ આપી છે. જોકે, ટ્રમ્પના આગ્રહ છતાં રશિયા અને યુક્રેન વચ્ચેની અગાઉની ત્રણ વાટાઘાટો નિષ્ફળ રહી છે.

એન્કોરેજ આર્કટિક વિસ્તારમાં અમેરિકન સૈન્ય તૈયારીઓનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ કેન્દ્ર 

ટ્રમ્પ અને પુતિનની મુલાકાત અલાસ્કાના એન્કોરેજમાં થશે. બંને નેતાઓની મેજબાની જોઇન્ટ બેઝ એલમેન્ડોર્ફ-રિચર્ડસન ખાતે થશે, જે અલાસ્કાનો સૌથી મોટું સૈન્ય મથક છે. 64,000 એકરમાં ફેલાયેલો આ બેઝ આર્કટિક વિસ્તારમાં અમેરિકન સૈન્ય તૈયારીઓનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. પણ શું તમને ખબર છે કે જે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની આ ઐતિહાસિક મુલાકાત થઈ રહી છે, તે એક સમયે રશિયાનો ભાગ હતો? 

અલાસ્કા: રશિયાથી અમેરિકા સુધીની સફર

આ ઐતિહાસિક મુલાકાત અલાસ્કામાં થઈ રહી છે, જે ક્યારેક રશિયાનો ભાગ હતું. 18મી સદીમાં રશિયન સંશોધકો અહીં પહોંચ્યા અને ફર પ્રાણીઓના ચામડાનો વેપાર શરુ કર્યો. જેના કારણે સીલ, ઉદબિલાવ અને અન્ય પ્રાણીઓની ચામડી માટે રશિયન વેપારીઓ અહીં આવ્યા.

સિટકા અહીંની રાજધાની બની, પણ અલાસ્કા રશિયાથી ઘણું દૂર હતું. જ્યારે પણ કોઈ સંકટ આવતું, મદદ પહોંચતા મહિનાઓ લાગી જતા હતા. 1850ના દાયકામાં ક્રિમિયન યુદ્ધ દરમિયાન બ્રિટિશ નૌસેનાએ રશિયન વસાહતો પર હુમલો કર્યો. રશિયાને સમજાઈ ગયું કે આટલા દૂરના વિસ્તારને સંભાળવો સહેલો નથી. આથી રશિયાના ઝાર એલેક્ઝાન્ડર બીજાએ તેને સંભાળવું મુશ્કેલ માન્યું અને તેને વેચવા બાબતે અમેરિકા સાથે વાતચીત શરુ કરી. તેમજ અમેરિકાના વિદેશ મંત્રી વિલિયમ સેવાર્ડ માનતા હતા કે અલાસ્કા અમેરિકા માટે 'એશિયાનું પ્રવેશદ્વાર' બની શકે છે.

158 વર્ષ અગાઉ રશિયાએ અલાસ્કા અમેરિકાને વેચ્યું 

આથી 30 માર્ચ, 1867ના રોજ, રશિયાએ 15.70 લાખ ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર માત્ર 72 લાખ ડૉલરમાં અમેરિકાને વેચી દીધો, જે રશિયા માટે એક એકરના 2 સેન્ટ જેટલો થયો. તે સમયે અમેરિકામાં આ ડીલની મજાક ઉડાવવામાં આવી હતી, લોકોને લાગ્યું કે બરફવાળી જમીન ખરીદીને અમેરિકાએ મૂર્ખામી કરી છે. પરંતુ પાછળથી અલાસ્કા સોનું, તેલ અને ગેસના વિશાળ ભંડારોનું કેન્દ્ર બન્યું, જે આજે અમેરિકા માટે ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે.

માત્ર ખનિજો જ નહીં, અલાસ્કાનું ભૌગોલિક સ્થાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તે અમેરિકા અને રશિયા વચ્ચે માત્ર 85 કિલોમીટરના અંતરે છે. શીત યુદ્ધ દરમિયાન અહીં અમેરિકન મિલિટરી બેઝ બન્યા. આજે પણ અહીંથી રશિયાની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.

અલાસ્કા: અમેરિકાનું સૌથી મોટું અને સૌથી સમૃદ્ધ રાજ્ય

અલાસ્કાનું ક્ષેત્રફળ લગભગ 17.23 લાખ ચોરસ કિલોમીટર છે, જે તેને અમેરિકાનું સૌથી મોટું રાજ્ય બનાવે છે. તે ભારત દેશના કુલ ક્ષેત્રફળનો લગભગ અડધો ભાગ છે અને ભારતના સૌથી મોટા રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના સંયુક્ત ક્ષેત્રફળ કરતાં પણ મોટું છે. 1867માં રશિયા પાસેથી માત્ર 72 લાખ ડૉલરમાં ખરીદવામાં આવેલું અલાસ્કા આજે અમેરિકા માટે એક વ્યૂહાત્મક અને આર્થિક ખજાનો સાબિત થયું છે.

તેના મુખ્ય કારણો...

ખનિજ ભંડાર

અહીં 1890ના દાયકામાં સોનાની શોધ થઈ, જેનાથી 'ગોલ્ડ રશ' શરુ થયો. 1968માં ઉત્તર અમેરિકાનો સૌથી મોટો તેલ ભંડાર પણ અહીંથી મળ્યો. તેલ અને કુદરતી ગેસ ઉપરાંત, તાંબુ અને કોલસા જેવા ખનિજોના પણ વિશાળ ભંડાર છે.

વ્યૂહાત્મક સ્થાન

અલાસ્કા રશિયા અને એશિયાની નજીક હોવાથી, તે અમેરિકા માટે લશ્કરી અને વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વનું છે. શીત યુદ્ધ દરમિયાન અહીંના લશ્કરી મથકોએ મોટી ભૂમિકા ભજવી હતી.

અન્ય સંસાધનો

માછલી, ખાસ કરીને સૅલ્મન અને ક્રેબ, પકડવાનો ઉદ્યોગ પણ અહીં મોટો છે. અલાસ્કાની સુંદર કુદરતી જગ્યાઓ અને ગ્લેશિયર્સને કારણે પર્યટન ક્ષેત્રમાંથી પણ મોટી આવક થાય છે. આમ, અલાસ્કાની ભૌગોલિક સ્થિતિ અને કુદરતી સંસાધનોએ તેને અમેરિકા માટે સૌથી લાભદાયક સોદો સાબિત કર્યો છે.

આ પણ વાંચો: 'ભારત સામે ટેરિફ લગાવ્યો એટલે પુતિન વાતચીત માટે તૈયાર થયા..', ટ્રમ્પનો ફરી મોટો દાવો

અલાસ્કાનું વ્યૂહાત્મક મહત્ત્વ

અલાસ્કાનું ભૌગોલિક સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તે અમેરિકા અને રશિયા વચ્ચે માત્ર 85 કિલોમીટરના અંતરે છે અને શીત યુદ્ધ દરમિયાન અહીં અમેરિકન સૈન્ય મથકો બન્યા હતા. આર્કટિક સર્કલની નજીક હોવાથી, બરફ પીગળવા સાથે ખુલતા નવા દરિયાઈ માર્ગો અને ઊર્જા સંસાધનોને કારણે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધુ વધ્યું છે. આજે તે અમેરિકાની હવાઈ અને નૌકાદળ માટે એક મહત્ત્વપૂર્ણ ચોકી છે, જ્યાંથી રશિયાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.

ટ્રમ્પ-પુતિન મુલાકાત: નવા સંબંધોનો સંકેત?

વર્ષ 2025માં થઈ રહેલી ટ્રમ્પ-પુતિનની આ મુલાકાત માત્ર એક બેઠક નથી, પરંતુ તે અમેરિકા-રશિયાના સંબંધોમાં નવા વળાંકનો સંકેત આપે છે. અલાસ્કાની પસંદગી પણ એક વ્યૂહાત્મક સંદેશ છે. બંને નેતાઓ આર્કટિક, ઊર્જા, સૈન્ય સંતુલન અને નવી ટૅક્નોલૉજી પર ચર્ચા કરશે.

ઇતિહાસકારો માને છે કે રશિયાને અલાસ્કા વેચવાનો કદાચ અફસોસ થતો હશે, કારણ કે તેનાથી તેની આર્કટિક નીતિ વધુ મજબૂત બની હોત. જ્યારે અમેરિકા માટે અલાસ્કા ઊર્જા, સુરક્ષા અને ભૂ-રાજકારણનું અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ છે. ભવિષ્યમાં આબોહવા પરિવર્તન અને વૈશ્વિક રાજકારણના કારણે અલાસ્કાની ભૂમિકા વધુ મહત્ત્વની બની શકે છે. 

158 વર્ષ અગાઉ રશિયાએ કેમ વેચ્યું હતું અલાસ્કા? બરફની વેરાન જમીનથી માલામાલ થયું અમેરિકા 2 - image

Tags :