'ભારત સામે ટેરિફ લગાવ્યો એટલે પુતિન વાતચીત માટે તૈયાર થયા..', ટ્રમ્પનો ફરી મોટો દાવો
Donald Trump News : યુક્રેન સંઘર્ષ અંગે આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે ફરી એક મોટો દાવો કરતાં કહ્યું છે કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે રશિયન રાષ્ટ્રપતિ મારી સાથે મુલાકાત કરવા માટે તૈયાર થયા છે.
ટ્રમ્પે કર્યો ચોંકાવનારો દાવો
એક શોમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે દરેક વસ્તુની અસર પડે છે. વધારે પડતો ટેરિફ લાદવાને કારણે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતું અટક્યું. રશિયા એક મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેનું બીજું સૌથી મોટું બજાર ભારત છે. જ્યારે તમે તમારો બીજો સૌથી મોટો ગ્રાહક ગુમાવો છો અને પહેલો ગ્રાહક પણ ગુમાવવાની અણીએ હોવ તો ત્યારે તેની ચોક્કસપણે અસર પડે છે.
ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષનો કર્યો ઉલ્લેખ
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા છે ત્યારથી તેમણે ઘણા દેશો વચ્ચે યુદ્ધો બંધ કરાવાનો દાવો કર્યો છે. ગુરુવારે, તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે મેં આવું ન કર્યું હોત, તો પરમાણુ યુદ્ધ થઈ શક્યું હોત.
ટ્રમ્પ-પુતિન મુલાકાત પહેલા તણાવ વધ્યો, યુક્રેનમાં ભયંકર યુદ્ધ
ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠક પર આખી દુનિયાની નજર છે કારણ કે તેનું પરિણામ નક્કી કરશે કે યુદ્ધવિરામ થશે કે વિશ્વયુદ્ધ. બેઠક પહેલા, યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું છે. રશિયાએ હવાઈ હુમલામાં યુક્રેનની મિસાઇલ ફેક્ટરીનો નાશ કર્યો છે, જે જર્મનીની મદદથી મધ્યમ અંતરની મિસાઇલો બનાવી રહી હતી. યુક્રેનનો દાવો છે કે રશિયાએ ડ્રોનથી ઘણા શહેરોને નિશાન બનાવ્યા છે, જેના કારણે નાગરિકો ઘાયલ થયા છે.