NATO ચીફની ધમકી બાદ રશિયા અને ચીને બનાવ્યો પ્લાન, જુઓ ભારતને શું અપીલ કરી
RIC Troika: રશિયાની RIC (રશિયા-ભારત-ચીન ત્રિપુટી)ની બેઠકને પુનઃ શરૂ કરવાની પહેલનું ચીને સમર્થન કર્યું છે. રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એન્ડ્રેઈ રૂડેન્કોએ બેઈજિંગ અને નવી દિલ્હી સાથે આરઆઈસી સહયોગને પુનઃ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને ચીને સમર્થન આપ્યું છે. જ્યારે ભારતે ત્રણેય દેશોની સુવિધા પર આ બેઠક નિર્ભર રહેવાનું નિવેદન આપ્યું છે.
ચીને RIC બેઠક ફરી શરૂ કરવા મુદ્દે સમર્થન આપતાં કહ્યું છે કે, આ અત્યંત જરૂરી છે, જેથી ક્ષેત્રીય સ્તર પર શાંતિ અને સ્થિરતા જળવાઈ શકે. ચીન નિષ્ક્રિય બનેલી RIC ત્રિપુટી ફરી એકજૂટ થાય તે વાતને સમર્થન આપે છે. આ ત્રિપક્ષીય સહયોગ માત્ર ત્રણેય દેશોનું હિત જ નહીં, પણ ક્ષેત્ર અને વિશ્વની સુરક્ષા તથા સ્થિરતા માટે જરૂરી છે. જો કે, આ ત્રિપુટીમાં ભારત પણ અત્યંત મહત્ત્વનો ભાગીદાર છે. ચીન અને રશિયા બંને માટે ભારતને સાથે લઈને ચાલવુ જરૂરી છે. ઉલ્લેખનીય છે, એકબાજુ NATO એ ભારત, બ્રાઝિલ અને ચીનને રશિયા સાથે બિઝનેસ કરવા બદલ ટેરિફ પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે, તો બીજી બાજુ રશિયા ભારત અને ચીન સાથે હાથ મિલાવવા માટે RIC સહયોગ પુનઃસ્થાપિત કરવા અપીલ કરી રહ્યું છે. પશ્ચિમી દેશો અને અમેરિકાની લૉબિંગ વચ્ચે ચીન, ભારત અને બ્રાઝિલ જેવા મોટા દેશોનું સમર્થન મળી રહે તે હેતુ સાથે રશિયાએ આ પહેલ કરી છે.
આ પણ વાંચોઃ UAE માં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ, બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો
ભારતે શું કહ્યું?
ભારત તરફથી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે RIC બેઠક મુદ્દે કહ્યું કે, આ એક એવુ ફોરમ છે, જ્યાં ત્રણ દેશ ભેગા થાય છે, મળે છે અને પોતાના હિતના વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા કરે છે. જ્યાં સુધી આ વિશેષ બેઠકના આયોજનનો પ્રશ્ન છે. તો આ મામલે ત્રણેય દેશની પારસ્પારિક સુવિધા અનુસાર નિર્ણય લેવાશે.
ભારતની હાજરી જરૂરી
રુડેન્કોએ જણાવ્યું હતું કે, RICમાં ભારતની હાજરી વિના આ બેઠક અધૂરી છે. ત્રણેય દેશો આ ફોરમમાં મહત્ત્વના ભાગીદાર છે. આ ત્રણેય દેશ વચ્ચે ત્રિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત થાય તે જરૂરી છે. અગાઉ કોરોના વાયરસના કારણે આ બેઠક થંભી ગઈ હતી. બાદમાં 2020માં પૂર્વીય લદ્દાખમાં ભારત-ચીનના સૈન્ય ગતિવિધિઓના કારણે ફોરમ વિખેરાઈ ગયુ હતું.