Get The App

Explainer: ઈરાનમાં ખામેનેઇનો કિલ્લો ધ્વસ્ત કરવો મુશ્કેલ, 17 વખત નિષ્ફળ રહ્યા સત્તાપલટાના પ્રયાસ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
Why Protests Fail against Khamenei in Iran


Why Protests Fail against Khamenei in Iran: ઈરાનમાં ફરી એકવાર સત્તા વિરોધી જ્વાળા ભભૂકી રહી છે. તેહરાનની ગલીઓથી લઈને કુર્દિસ્તાનના પહાડો સુધી 'સરમુખત્યારશાહી મુર્દાબાદ'ના નારા ગુંજી રહ્યા છે. છેલ્લા 17 વર્ષમાં અનેકવાર ઈરાનની જનતા રસ્તા પર ઉતરી છે, પરંતુ દર વખતે અયાતુલ્લા શાસન વધુ ક્રૂરતા સાથે સત્તા પર ટકી રહે છે. ઈરાન સરકારની આ મજબૂત પકડ પાછળ કોઈ ચમત્કાર નહીં, પરંતુ એક અત્યંત આયોજનબદ્ધ અને ક્રૂર સુરક્ષા તંત્ર કામ કરી રહ્યું છે.

ઈરાની શાસનનું ટકી રહેવું એ કોઈ ચમત્કાર નહીં, પણ એક ક્રૂર રણનીતિનું પરિણામ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાન પાસે પોતાના જ નાગરિકોને દબાવવા માટે વિશ્વનું સૌથી મજબૂત સુરક્ષા તંત્ર છે:

1. IRGC અને બાસિજનું જાળ: શાસનની અસલી તાકાત આ દળો છે. 'બાસિજ'ના બાતમીદારો સામાન્ય જનતામાં જ વણાયેલા હોય છે. તેમની નિષ્ઠા માત્ર સુપ્રીમ લીડર પ્રત્યે હોવાથી, તેઓ સાદા કપડામાં ભીડમાં ઘૂસીને પોતાની જ જનતા પર હિંસક દમન કરતાં અચકાતા નથી.

2. મનોવૈજ્ઞાનિક યુદ્ધ: સરકાર પ્રદર્શનકારીઓને માત્ર મારતી નથી, પણ 'તોડી નાખે છે'. જેલમાં અમાનવીય યાતનાઓ આપીને તેમને એવી હાલતમાં છોડવામાં આવે છે કે તેમનું ભાંગેલું શરીર જોઈને લોકો ફફડી ઉઠે. આ રીતે એક વ્યક્તિ દ્વારા આખા સમાજમાં ભય ફેલાવવામાં આવે છે.

3. ડિજિટલ સર્વેલન્સ: ઇન્ટરનેટ શટડાઉન ઉપરાંત, હજારો 'સાયબર જાસૂસો' સોશિયલ મીડિયા પર સતત નજર રાખે છે, જેથી અસંતોષની કોઈ પણ ચિંગારી આગ બને તે પહેલાં જ તેને કચડી શકાય.

આ પણ વાંચો: ટેરિફ મુદ્દે દાદાગીરી કરતાં ટ્રમ્પને અચાનક કઈ વાતનો ડર? કહ્યું- જો આવું થયું તો બરબાદ થઈ જઈશું

સત્તા પરિવર્તન માટે શું જરૂરી છે?

ઈરાનમાં સત્તા પરિવર્તન માટે આ 3 શરતો અનિવાર્ય છે:

1. સુરક્ષા દળોનો સાથ: ક્રાંતિ ત્યારે જ સફળ થાય જ્યારે સેના અને પોલીસ(IRGC સિવાયના) પ્રદર્શનકારીઓ સાથે જોડાય અથવા જનતા પર ગોળી ચલાવવાનો ઇન્કાર કરે. અત્યાર સુધી IRGC અને બાસિજને મળતા આર્થિક ફાયદાઓને કારણે તેઓ સરકારને વફાદાર રહ્યા છે.

2. મજબૂત નેતૃત્વ: આંદોલનો પાસે કોઈ મોટો ચહેરો નથી. એક એવા નેતાની જરૂર છે જે ભીડને દિશા આપે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાટાઘાટો કરી શકે. નેતા વગર લોકો અરાજકતાના ડરે વર્તમાન શાસનને સહન કરી લે છે.

3. આર્થિક નાકેબંધી: 1979ની જેમ જો તેલ કર્મચારીઓ અને વેપારીઓ હડતાલ પાડે તો જ સરકાર નબળી પડે. જ્યાં સુધી તેલની કમાણી રિવોલ્યુશનરી ગાર્ડ્સ સુધી પહોંચે છે, ત્યાં સુધી તેમનું દમન ચાલુ રહેશે.

આ પણ વાંચો: શું ભારત પર હવે 50 નહીં 75 ટકા ટેરિફ? ઈરાન અંગે ટ્રમ્પની નવી ધમકીની શું અસર થશે?

ઈરાનમાં પાછલા 17 વર્ષના મુખ્ય વિદ્રોહ અને તેની નિષ્ફળતા

- 2009(ગ્રીન મૂવમેન્ટ): ચૂંટણીમાં છેતરપિંડી વિરુદ્ધ લાખો લોકો ઉતર્યા, પણ નેતાઓની ધરપકડ અને હિંસક દમનથી આંદોલન ઠરી ગયું.

- 2017-18(આર્થિક વિદ્રોહ): મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે નાના શહેરોમાં ઉઠેલો અવાજ કોઈ મજબૂત નેતૃત્વના અભાવે દબાઈ ગયો.

- 2019(લોહિયાળ નવેમ્બર): પેટ્રોલના ભાવવધારા સામે હિંસક દેખાવો થયા. સરકારે ઇન્ટરનેટ બંધ કરી માત્ર 3 દિવસમાં 1500 લોકોની હત્યા કરી વિદ્રોહ કચડી નાખ્યો.

- 2022-23(મહસા અમીની): હિજાબ અને આઝાદી માટે મહિલા-યુવાનોએ મોરચો માંડ્યો. સરકાર હચમચી તો ખરી, પણ 500થી વધુ લોકોના મોત બાદ ફરી સખત દમન સાથે સત્તા પર પકડ જમાવી લીધી.

જો ઈરાનમાં સત્તા પરિવર્તન થાય તો શું?

જો ઈરાનમાં અયાતુલ્લાનું શાસન પડી ભાંગે, તો તેના પછીનો સમય વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સૌપ્રથમ, વિપક્ષોમાં એકતાનો અભાવ હોવાથી રાજશાહી સમર્થકો, ડાબેરીઓ અને લઘુમતી જૂથો વચ્ચે સત્તા માટે આંતરવિગ્રહ ફાટી નીકળવાની અને દેશ લીબિયા કે સીરિયાની જેમ ગૃહયુદ્ધમાં હોમાઈ જવાની પૂરી શક્યતા છે. બીજું, રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) માત્ર સૈન્ય જ નહીં પણ મોટું આર્થિક સામ્રાજ્ય પણ ધરાવે છે, જે સત્તા પરિવર્તન બાદ માફિયા સંગઠન બની નવી સરકારને અસ્થિર કરી શકે છે. ત્રીજું, વર્ષોથી દબાયેલી જનતા શાસકો પ્રત્યે બદલો લેવા પ્રેરાશે, જેનાથી હિંસાનું નવું ચક્ર શરુ થઈ શકે છે. અંતે, વર્ષોના પ્રતિબંધો અને ભ્રષ્ટાચારથી જર્જરિત અર્થતંત્રને સુધારવું અત્યંત મુશ્કેલ હશે અને જો નવી સરકાર જનતાને ત્વરિત રાહત નહીં આપી શકે, તો ફરીથી અરાજકતા ફેલાઈ શકે છે.

Explainer: ઈરાનમાં ખામેનેઇનો કિલ્લો ધ્વસ્ત કરવો મુશ્કેલ, 17 વખત નિષ્ફળ રહ્યા સત્તાપલટાના પ્રયાસ 2 - image