Trump Tariff Warning: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે. રશિયા બાદ હવે ઈરાન સાથે વેપાર કરતા દેશોને ટ્રમ્પે સીધી ચેતવણી આપી છે. ટ્રમ્પની આ નવી જાહેરાત બાદ ભારત માટે વ્યાપારી પડકારો વધી શકે છે, કારણ કે ભારત અને ઈરાન વચ્ચે હજુ પણ અનેક ચીજવસ્તુઓનો મોટો વેપાર ચાલુ છે.
શું છે ટ્રમ્પની નવી ધમકી?
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે દેશો ઈરાન (ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન) સાથે વેપાર ચાલુ રાખશે, તેમણે અમેરિકામાં નિકાસ થતા પોતાના માલ પર વધારાનો 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.ટ્રમ્પે આ આદેશને 'અંતિમ' ગણાવ્યો છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવાની વાત કહી છે.
ભારત પર શું અસર થશે?
ભારત માટે આ નિર્ણય ચિંતાજનક સાબિત થઈ શકે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને હથિયારો ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર પહેલાથી જ 25 ટકા ટેરિફ લાદેલો છે, જે વધીને 50 ટકા સુધી પહોંચ્યો છે. હવે જો ઈરાન સાથેના વેપાર બદલ વધુ 25 ટકા ટેરિફ ઉમેરાય, તો ભારત પરનો કુલ યુએસ ટેરિફ 75 ટકા ટકા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે 2019થી ભારતે અમેરિકાના દબાણ હેઠળ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરી દીધી છે. જો કે, અન્ય ચીજવસ્તુઓનો વેપાર હજુ પણ સક્રિય છે.
આ પણ વાંચો: ટેરિફ મુદ્દે દાદાગીરી કરતાં ટ્રમ્પને અચાનક કઈ વાતનો ડર? કહ્યું- આપણે બરબાદ થઈ જઈશું
કઈ વસ્તુઓ પર જોખમ
તાજેતરના વર્ષોમાં ભારત ઈરાનના પાંચ સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનો એક રહ્યો છે. ભારતથી ઈરાનમાં નિકાસ થતી મુખ્ય ચીજોમાં ચોખા, ચા, ખાંડ, ફાર્માસ્યુટિકલ્સ, કૃત્રિમ ફાઈબર, ઇલેક્ટ્રિકલ મશીનરી અને કૃત્રિમ ઘરેણાંનો સમાવેશ થાય છે. ઈરાનથી ભારતમાં થતી મુખ્ય આયાતોમાં સૂકા મેવા, અકાર્બનિક/કાર્બનિક રસાયણો અને કાચના વાસણોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારત માટે ઈરાન માત્ર વ્યાપારી ભાગીદાર નથી, પરંતુ ચાબહાર પોર્ટ દ્વારા મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ પણ છે. જો ટ્રમ્પ પ્રશાસન ટેરિફ બાબતે કડક વલણ અપનાવશે, તો ભારતે કાં તો ઈરાન સાથેનો વેપાર ઘટાડવો પડશે અથવા અમેરિકામાં પોતાની નિકાસ મોંઘી થતા આર્થિક નુકસાન વેઠવું પડશે.


