EXPLAINER: બ્રાઝિલ અને જાપાન પણ યુરેનિયમ સંવર્ધન કરે છે, તો અમેરિકા-ઇઝરાયલને ઈરાન સામે જ કેમ વાંધો?
(PHOTO: ENVATO) |
Iran's Nuclear Enrichment Uranium: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે પરમાણુ વિવાદ સતત વધી રહ્યો છે. ઈરાનનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ વિવાદાસ્પદ છે કારણ કે યુરેનિયમનું 60% સુધી સંવર્ધન કરવામાં આવ્યું છે, ગુપ્ત પ્રવૃત્તિઓ હાથ ધરી છે અને IAEA સાથે સહયોગ કર્યો નથી. આર્જેન્ટિના, બ્રાઝિલ, જાપાન અને નેધરલેન્ડ જેવા ઘણા દેશો આ પ્રક્રિયાનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે કરે છે. પરંતુ ઈરાનનો જ યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ વિશ્વભરમાં વિવાદનું કેન્દ્ર કેમ છે? તે જાણીએ.
યુરેનિયમ સંવર્ધન શું છે?
યુરેનિયમ સંવર્ધન એ એક પ્રક્રિયા છે જેના દ્વારા યુરેનિયમ પરમાણુ ઊર્જા અથવા શસ્ત્રો બનાવવા માટે તૈયાર કરવામાં આવે છે. યુરેનિયમ સંવર્ધનની પ્રક્રિયામાં યુરેનિયમની સેન્ટ્રીફ્યુઝ મશીનોથી માત્રા વધારવામાં આવે છે. જેનો ઉપયોગ પરમાણુ ઊર્જા કે શસ્ત્રો બનવવા માટે કરવામાં આવે છે.
વીજળી બનાવવા માટેના પરમાણુ રિએક્ટર માટે 3-5% સંવર્ધન પૂરતું છે. જયારે પરમાણુ હથિયારો બનાવવા માટે 90% સુધી સંવર્ધન જોઈએ. આવા યુરેનિયમને હથિયાર-ગ્રેડ યુરેનિયમ કહેવાય છે.
આર્જેન્ટિના, બ્રાઝિલ, જાપાન અને નેધરલેન્ડ જેવા દેશો પોતાનું યુરેનિયમ સંવર્ધન વીજળી બનાવવા જેવા શાંતિપૂર્ણ કામો માટે જ કરે છે અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે છે. પણ ઈરાનનો કાર્યક્રમ ઘણા કારણોસર વિવાદમાં છે.
ઈરાનનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ વિવાદાસ્પદ હોવાના કારણો
1. ગુપ્ત પ્રવૃત્તિ અને NPTના ભંગના કારણે વિવાદ
ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ ઘણી વખત ગુપ્ત રાખ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયનો તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. વર્ષ 2003 સુધી, ઈરાને ગુપ્ત રીતે AMAD પરિયોજના હેઠળ પરમાણુ હથિયારો બનાવવાનું કામ કર્યું, જે ગેરકાયદેસર હતું. ઈરાને 2009માં ફોર્ડો (Fordow) સંવર્ધન સુવિધા વિશે જાણ કરી, પરંતુ તે પણ ત્યારે જ જ્યારે પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓએ તેને ખુલ્લી પાડી. IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી) મુજબ, ઈરાને આવી સુવિધાઓની જાહેરાત વહેલા કરી દેવી જોઈતી હતી.
તેમજ ઈરાને ઘણી વખત આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના નિરીક્ષકોને પોતાના પરમાણુ ઠેકાણાઓ સુધી પહોંચતા રોક્યા. જયારે આર્જેન્ટિના, બ્રાઝિલ, જાપાન અને નેધરલેન્ડ જેવા દેશો IAEA ની સંપૂર્ણ દેખરેખ હેઠળ કામ કરે છે અને NPT (Nuclear Non-Proliferation Treaty)નું પાલન કરે છે. આ દેશોએ ક્યારેય ગુપ્ત પરમાણુ હથિયાર કાર્યક્રમ ચલાવ્યો નથી.
2. પ્રાદેશિક અને ભૌગોલિક-રાજકીય તણાવ
ઈરાનના મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને અમેરિકા સાથેનો સંબંધ સારો નથી. આના કારણે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ વિવાદાસ્પદ બન્યો છે. તેમજ ઇઝરાયલ પોતે પણ પરમાણુ હથિયારો ધરાવતો દેશ છે. તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને પોતાના માટે ખતરો માને છે.
વર્ષ 2025 માં ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જેમાં નતાન્ઝ અને ફોર્ડો જેવા કેન્દ્રોને નુકસાન થયું હતું. આ ઉપરાંત પશ્ચિમી દેશો એવો આરોપ મૂકે છે કે ઈરાન હમાસ અને હિઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનોને મદદ કરે છે.
3. યુરેનિયમનું વધુ પ્રમાણમાં સંવર્ધન
ઈરાને તાજેતરમાં યુરેનિયમને 60% સુધી સંવર્ધિત કર્યું છે. જયારે યુરેનિયમના શાંતિપૂર્ણ ઉપયોગ માટે તેનું 3-5% જ સંવર્ધન કરવાનું રહે છે. આ અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીનું કહેવું છે કે 60% સંવર્ધન ફક્ત એવા દેશો જ કરે છે જેઓ પરમાણુ હથિયારો બનાવવાની ક્ષમતા ધરાવે છે. 60% સંવર્ધન સાથે ઈરાન માત્ર થોડા અઠવાડિયામાં હથિયાર-ગ્રેડ યુરેનિયમ (90%) બનાવી શકે છે. IAEA નો અંદાજ છે કે ઈરાન પાસે 400 કિલોગ્રામથી વધુ 60% સંવર્ધિત યુરેનિયમ છે, જે 10 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું છે.
આ પણ વાંચો: હવામાં ઉડતી ટેક્સી તૈયાર, 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે, જાણી લો લોન્ચિંગ ડેટ
4. ગેરકાયદે રીતે ટેકનોલોજી મેળવવી
ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ પાકિસ્તાનના A.Q. ખાનના નેટવર્ક અને જર્મન કંપનીઓ પાસેથી છૂપી રીતે સેન્ટ્રીફ્યુજ ટેકનોલોજી ખરીદી હોવાનું કહેવામાં આવે છે. જે NPTનો ભંગ છે.
5. JCPOA અને પ્રતિબંધોનો ભંગ
વર્ષ 2015માં ઈરાન અને દુનિયાના શક્તિશાળી દેશો (P5+1: અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન, જર્મની) વચ્ચે એક જૉઇન્ટ કૉમ્પ્રિહેન્સિવ પ્લાન ઑફ ઍક્શન (JCPOA) નામનો કરાર થયો હતો. આ કરાર હેઠળ ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવાનું અને IAEAની દેખરેખ સ્વીકારવાનું વચન આપ્યું હતું. બદલામાં, તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા.
વર્ષ 2018માં અમેરિકા JCPOA માંથી નીકળી ગયું અને ફરીથી ઈરાન પર પ્રતિબંધો લગાવી દીધા. તેના જવાબમાં ઈરાને 2019થી યુરેનિયમના જથ્થાને 22 ગણો વધારવો અને 60% સુધી સંવર્ધન કરવા જેવી શરતોનું ભંગ કરવાનું શરુ કર્યું.