3 મોટા કારણો જેના લીધે ટ્રમ્પ ભારતથી ખિજાયા, એક પછી એક અનેક ધમકીઓ આપી
Why Donald Trump threatening India: તાજેતરના દિવસોમાં ભારત-અમેરિકા વેપાર કરાર અંગે મોટા સકારાત્મક અપડેટ્સ આપનાર ટ્રમ્પે અચાનક ભારત પર 25% ઊંચી ટેરિફ લગાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. આટલું જ નહીં, તેમણે રશિયા પાસેથી તેલ અને હથિયારોની ખરીદી ચાલુ રાખવા બદલ વધારાના દંડની પણ ધમકી આપી છે. આ ઉપરાંત ટ્રમ્પે ભારતીય અર્થવ્યવસ્થાને 'ડેડ ઇકોનોમી' પણ કહી દીધું. જોકે, ટ્રમ્પના ગુસ્સાનું એકમાત્ર કારણ રશિયન તેલની ખરીદી નથી, પરંતુ તેના અન્ય ઘણા કારણો પણ છે.
અચાનક ભારતથી ટ્રમ્પ કેમ ખિજાયા?
ભારત પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પનો અભિગમ અચાનક બદલાયો છે. પહેલાં તેમણે ભારત પર 25% ટેરિફ લગાવ્યો અને હવે રશિયા સાથે વેપાર કરવા બદલ દંડની ધમકીઓ આપી રહ્યા છે. અમેરિકા પહેલાં ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે રોકવા પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ હવે ટ્રમ્પ ભારતને આ વેપાર બંધ કરવા દબાણ કરી રહ્યા છે. આનો મુખ્ય કારણ રશિયા સાથેનો વેપાર છે.
પહેલું કારણ: રશિયાનો વેપાર વધારો
ટ્રમ્પે યુક્રેન યુદ્ધને રોકવા માટે રશિયાને ઊંચા ટેરિફની ધમકીઓ આપી હતી, પરંતુ તેની અસર ન થતાં તેમણે રશિયા સાથે વેપાર કરતા દેશોને નિશાન બનાવ્યા છે. નાટોના મહાસચિવ સાથેની બેઠક બાદ ટ્રમ્પે રશિયાને 50 દિવસમાં યુદ્ધ સમાપ્ત કરવાની ડેડલાઇન આપી હતી. ત્યારબાદ, મહાસચિવ માર્ક રૂટે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોને રશિયા સાથે વેપાર કરવા બદલ ભારે ટેરિફની ચેતવણી આપી હતી. જેના ભાગરૂપે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે.
ભારત રશિયા પાસેથી તેલ અને હથિયારો બંને ખરીદે છે, જેના કારણે રશિયાની આયાતમાં વધારો થયો છે. આ વાતથી ટ્રમ્પ અકળાયા છે. અમેરિકાનું માનવું છે કે રશિયન તેલની ખરીદી કરીને ભારત યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આ વાતને ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
ભારત રશિયા પાસેથી માત્ર તેલ જ નહીં, પરંતુ હથિયારો પણ ખરીદે છે, અને રશિયાથી થતી આયાતમાં ઝડપથી વધારો થયો છે. આ જ વાત ટ્રમ્પને અકળાવી રહી છે. વાસ્તવમાં, અમેરિકાનું માનવું છે કે ભારત મોટી માત્રામાં રશિયન તેલ ખરીદીને યુક્રેન સાથે યુદ્ધ ચાલુ રાખવામાં રશિયાને મદદ કરી રહ્યું છે. થોડા સમય પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ કહ્યું હતું કે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી રશિયાને યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહી છે. તેમણે આને ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવનું એક મુખ્ય કારણ ગણાવ્યું હતું.
બીજું કારણ: BRICS દેશો માટે એક આંતરરાષ્ટ્રીય કરન્સીનો પ્રસ્તાવ
ટ્રમ્પની નારાજગીનું બીજું મુખ્ય કારણ BRICS છે, જેમાં ભારત પણ સ્થાપક સભ્ય છે. ટેરિફ લાગુ કર્યા બાદ ટ્રમ્પે BRICS પર સીધો નિશાનો સાધ્યો હતો અને તેના સભ્ય દેશો પર 10% વધારાનો ટેરિફ લગાવવાની વાત કરી હતી. BRICS એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. વર્ષ 2024માં તેમાં ઈરાન, ઈજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા અને સંયુક્ત અરબ એમિરેટ્સ પણ જોડાયા.
આ પણ વાંચો: ભૂખમરાં-કુપોષણથી વધુ 8ના મોત, વિરોધ વચ્ચે નેતન્યાહૂ હવે ગાઝા પર કબજો કરવાના મૂડમાં
BRICS ના સભ્યો, ખાસ કરીને રશિયા અને ચીન, પોતાની કરન્સીમાં વેપાર કરી રહ્યા છે. રશિયાએ 2022માં BRICS દેશો માટે એક આંતરરાષ્ટ્રીય કરન્સીનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ પ્રસ્તાવ ડોલર પરની નિર્ભરતા ઘટાડી શકે છે, જે અમેરિકાના વર્ચસ્વ માટે મોટો ખતરો છે. આ જ કારણ છે કે ટ્રમ્પ ભારત સહિત BRICS ના અન્ય સભ્યો પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ચાલુ વર્ષે અમેરિકન ડોલરના મૂલ્યમાં ઘટાડો અને યુએસ અર્થતંત્રમાં મંદીને કારણે ટ્રમ્પનો BRICS પ્રત્યેનો ડર વધ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે BRICSની અમેરિકા-વિરોધી નીતિઓને ટેકો આપનારા દેશો પર 10%નો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે, જેમાં કોઈ છૂટછાટ નહીં હોય.
ત્રીજું કારણ: ટ્રમ્પની માંગ પર ભારતની 'ના'
ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ ઘણી વાટાઘાટો છતાં પૂર્ણ થઈ શકી નથી, કારણ કે ટ્રમ્પ અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતીય બજારો ખોલવા અને ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. જોકે, ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, દેશના ખેડૂતોના હિતો સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. આ મુદ્દે ભારત અડગ રહેતા ટ્રમ્પનો ભારત પ્રત્યેનો અભિગમ બદલાયો છે.