કોરોના સામે લાચાર અમેરિકાએ માગી ભારત પાસે મદદ, ટ્રમ્પે PM મોદી સાથે કરી વાત
વોશિંગ્ટન, તા. 5 એપ્રિલ 2020, રવિવાર
કોરોનાની મહામારીથી જાણે સુપરપાવર અમેરિકા લાચાર અને લકવાગ્રસ્ત થઈ ગયુ છે.
ખુદ અમેરિકા હવે ભારત પાસે મદદ માંગી રહ્યુ છે. શનિવારે સાંજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા સહયોગ માંગ્યો છે.
કોરોના સામે લડવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની મેલેરિયાની દવા ભારે અકસીર સાબિત થઈ રહી છે. ભારતમાં દર વર્ષે સેંકડો લોકો મેલેરિયાની ચપેટમાં આવતા હોવાથી ભારતમાં મોટા પાયે આ દવાનુ ઉત્પાદન થાય છે. જેના કાણે તેની માંગ વધી ગઈ છે.
જોકે કાચા માલની અછતથી તેનુ ઉત્પાદન પ્રભાવિત થઈ રહી છે. ભારત ચીન અને બ્રાઝિલ પાસેથી આ દવા બનાવવાનુ રો મટિરિયલ ખરીદે છે. ચીનમાંથી સપ્લાય પર અસર પડી છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોસોનારોએ પીએમ મોદીને ખાતરી આપી છે કે, દવા બનાવવા માટે આ સપ્લાય ચાલુ રહેશે.
દરમિયાન ટ્રમ્પે મોદી સાથે થયેલી વાતચીત અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, મેં હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનુ કન્ટેનર મોકલવા માટે પીએમ મોદીને અપીલ કરી છે. હું પોતે પણ આ ટેબલેટનુ સેવન કરવાનો છું. જોકે મારે એ પહેલા મારા ડોક્ટર સાથે વાત કરવી પડશે.
ટ્રમ્પે કહ્યુ હતુ કે, ભારત મોટા પાયે આ દવાનુ ઉત્પાદન કરે છે.જોકે તેમને પોતાને તેની જરુર પડી રહી છે. કારણકે ભારતની વસતી 1 અબજ કરતા વધારે છે. મેં પીએમ મોદીને કહ્યુ છું કે, જો અમારા માટે પણ તેઓ ઓર્ડર આપે અને દવા બનાવે તો આપણે તેમના આભારી રહીશું.