BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં તાનાશાહ કિમની પણ એન્ટ્રી, રશિયા-ચીન પણ તેહરાનના સમર્થનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Israel War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ યુદ્ધ માટે ઈઝરાયલની આકરી ટીકા કરી છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે ઈઝરાયલ દ્વારા ઈરાનના નાગરિક, પરમાણુ ઠેકાણા પર હુમલા અંગે જણાવ્યું હતુ કે, 'આ માનવતા વિરુદ્ધ અક્ષમ્ય ગુનો છે. આ પ્રદેશને એક નવા યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે.'
ઉત્તર કોરિયાએ આપી ચેતવણી
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકા અને યુરોપિયન દેશો પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 'અમેરિકા અને પશ્ચિમી દેશો, ઈઝરાયલ સાથે મળીને મિડલ ઈસ્ટની શાંતિ માટે કેન્સર બની રહ્યા છે.' અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ઈરાન પ્રત્યે ધીરજ હવે ખૂટી ગઈ છે. તેમણે પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે.' આના જવાબમાં ઉત્તર કોરિયાએ કહ્યું કે, 'તમારી કાર્યવાહી મિડલ ઈસ્ટને વિનાશ તરફ દોરી રહ્યું છે.'
ઉત્તર કોરિયા અને ઈરાન વચ્ચે મિસાઈલ અને લશ્કરી ટેકનોલોજીના આદાન-પ્રદાનનો લાંબો ઈતિહાસ રહ્યો છે. ઉત્તર કોરિયાએ ઈરાનને બેલિસ્ટિક મિસાઈલ અને અન્ય લશ્કરી હાર્ડવેર પૂરા પાડ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો બન્યા છે.
અમેરિકાએ ઈરાન પર હુમલો ન કરવો જોઈએ: રશિયા
ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 'આ હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે અને મિડલ ઈસ્ટમાં તણાવ વધારી રહ્યા છે. અમેરિકાએ ઈરાન પર હુમલો ન કરવો જોઈએ કારણ કે, તેનાથી મિડિલ ઈસ્ટમાં ભારે અસ્થિરતા સર્જાશે.' નોંધનીય છે કે, રશિયા ઈરાનનું મુખ્ય લશ્કરી અને આર્થિક સાથી છે. રશિયાએ ઈરાનને S-300 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને અન્ય લશ્કરી ટેક્નોલોજી પૂરી પાડી છે.
'બળનો ઉપયોગ એ વિવાદોનો ઉકેલ નથી'
ચીને પણ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ચીન પ્રમુખ શી જિનપિંગે કહ્યું કે, 'ચીન બંને દેશોને સંયમ રાખવા અને તણાવ ઓછો કરવા અપીલ કરે છે.' આ સિવાય ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ચીન ઈરાન, ઈઝરાયલ અને અન્ય પક્ષોના સંપર્કમાં છે અને સંઘર્ષને શાંતિપૂર્ણ સમાધાન તરફ લઈ જવા કામ કરી રહ્યું છે. તમામ પ્રાસંગિક પક્ષ, ખાસ કરીને ઈઝરાયલ પર પ્રભાવ નાંખનારા દેશોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.'
નોંધનીય છે કે, ચીન ઈરાનનો સૌથી મોટો તેલ આયાત કરનારો દેશ છે અને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધ મજબૂત છે. ચીને અમેરિકાના પ્રતિબંધ છતાં ઈરાનને નાણાંકીય અને ટેક્નિકલ સમર્થન પણ આવ્યું છે.










