'મારું દુર્ભાગ્ય છે કે કદાચ મારી કુંડળીમાં...' કોંગ્રેસના કદાવર નેતાએ કમલનાથ સરકાર પડી જવાનું સત્ય જણાવ્યું
Madhya Pradesh Politics: રાજકીય ગલિયારાઓમાં ઘણી ચર્ચા થઈ હતી કે દિગ્વિજય સિંહે અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેના ઝઘડાને કારણે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પડી હતી. હવે કોંગ્રેસના કદાવર નેતા દિગ્વિજય સિંહે અટકળો પર પૂર્ણવિરામ મુક્યું છે. તેમણે પહેલીવાર આ બાબતે પોતાનું મૌન તોડ્યું અને જણાવ્યું કે કમલનાથની સરકાર કેવી રીતે પડી. આ ઉપરાંત તેમણે એક ઉદ્યોગપતિના ઘરે સિંધિયા અને કમલનાથના રાત્રિભોજનની વાત પણ કહી છે.
દિગ્વિજયે જણાવ્યું કે કમલનાથ સરકાર કેવી રીતે પડી?
એક મીડિયા ઈન્ટરવ્યુમાં દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે 'તમારા કારણે કમલનાથ સરકાર પડી?' આના પર તેમણે કહ્યું કે, 'એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સિંધિયા સાથેના મારા ઝઘડાને કારણે કમલનાથ સરકાર પડી. પરંતુ આ સત્ય નથી. મેં ચેતવણી આપી હતી કે આવી ઘટના બની શકે છે. એ મારું દુર્ભાગ્ય છે કે કદાચ મારી કુંડળીમાં એવું છે કે મારા પર હંમેશા એવી બાબતોનો આરોપ લાગશે જેમાં હું દોષિત નથી.'
રાત્રિભોજનના આયોજન અંગે દિગ્વિજયે કહ્યું કે 'એક મોટા ઉદ્યોગપતિ છે. હું તેમનું નામ લેવા માંગતો નથી. તેમના કમલનાથ અને સિંધિયા બંને સાથે સારા સંબંધો છે. હું તેમની પાસે ગયો અને કહ્યું કે અમારી સરકાર આ બંને વચ્ચેની લડાઈમાં પડી જશે. તમે આ બાબતે ધ્યાન આપ્યો, કારણ કે તમારા બંને સાથે સારા સંબંધો છે. ત્યારબાદ ઉદ્યોગપતિના ઘરે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું અને હું પણ હાજર રહ્યો હતો. મે મામલો ઉકેલવાનો ખૂબ પ્રયાસ કર્યો. ત્યાં બધા મુદ્દાઓ અંગે એક યાદી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તેનું પાલન થઈ શક્યું નહીં. એ સાચું છે કે તમામ પ્રયાસો છતાં, કમલનાથ સરકાર બચાવી શકી નહીં. મારો માધવરાવ સિંધિયા સાથે કે જ્યોતિરાદિત્ય સાથે કોઈ વિવાદ નહોતો.'
પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે 'રાત્રિભોજન દરમિયાન કઈ માંગણીઓ કરવામાં આવી હતી? તેમણે કહ્યું, 'કેટલીક નાની-નાની બાબતો પર ચર્ચા થઈ. એવું નક્કી થયું કે અમે બંને જે કહીશું તે ગ્વાલિયર-ચંબલ ડિવિઝનમાં કરીશું. અમે બંનેએ વિશલિસ્ટ બનાવી અને બીજા દિવસે આપી, મેં પણ તેના પર સહી કરી. પરંતુ વિશલિસ્ટનું પાલન થયું નહીં.
જ્યોતિરાદિત્ય સિંધિયા બળવો કરીને ભાજપમાં જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવી હતી અને 15 વર્ષની લાંબી રાહ જોયા પછી સત્તામાં પાછી ફરી હતી. પાર્ટીએ તત્કાલીન પ્રદેશ પ્રમુખ કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે, અંદરથી નારાજગીના અહેવાલો આવતા રહ્યા. આ દરમિયાન 15 મહિના પછી સિંધિયા બળવો કરીને ભાજપમાં જોડાયા. ઘણાં ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડીને સિંધિયા છાવણીમાં ગયા અને કમલનાથને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.