Get The App

મુંબઈના ધારાવીમાં તૂટી કોરોના ટ્રાન્સમિશનની ચેઈન, WHOના પ્રમુખે કરી પ્રશંસા

ધારાવીમાં કોરોના વાયરસની મૂળભૂત વાત ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઈસોલેશન સાથે સંકળાયેલી છે જેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
મુંબઈના ધારાવીમાં તૂટી કોરોના ટ્રાન્સમિશનની ચેઈન, WHOના પ્રમુખે કરી પ્રશંસા 1 - image


નવી દિલ્હી, તા. 11 જુલાઈ 2020, શનિવાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમે કોરોના વાયરસ પર લગામ કસવામાં સારી સફળતા મેળવી હોય તેવા અનેક દેશોની પ્રશંસા કરી છે. આ દેશોમાં ઈટાલી, સ્પેન અને દક્ષિણ કોરિયાના નામનો સમાવેશ થાય છે.

તે સિવાય એક નામ મુંબઈ ખાતે આવેલી વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીનું પણ છે. ટેડ્રોસે પોતાના સંબોધનમાં ધારાવીનો ઉલ્લેખ કરીને ધારાવીમાં કોરોના વાયરસ વિરૂદ્ધ જે કાર્યવાહી ચાલી રહી છે તેની પ્રશંસા કરી હતી. 

WHOના પ્રમુખ ટેડ્રોસે કહ્યું કે, 'કોરોના વાયરસ મામલે કેટલાક દેશોના ઉદાહરણ આપી શકાય તેમ છે. તેમાં ઈટાલી, સ્પેન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. તેમાં મેગાસિટી મુંબઈના ગીચ વસ્તીવાળા ધારાવીનો પણ સમાવેશ થાય છે.

આ જગ્યાઓએ મોટા પાયે લોકોમાં જાગૃતિ અભિયાન (કોમ્યુનિટી એન્ગેજમેન્ટ) ચલાવાયું. કોરોના વાયરસની મૂળભૂત વાત ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઈસોલેશન સાથે સંકળાયેલી છે જેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું. કોરોના સંક્રમણ રોકવા અને તેનો અંત લાવવા તમામ બીમાર વ્યક્તિની સારવાર કરવામાં આવી.'

ટેડ્રોસના કહેવા પ્રમાણે આવી મહામારીની કમર તોડવા માટે સમગ્ર દુનિયાએ સાથે મળીને આક્રમક વલણ અપનાવવું પડશે. વિશ્વમાં આજે અનેક ઉદાહરણો છે જેનાથી ખબર પડે છે કે સંક્રમણનો દર ભલે તેજ હોય પરંતુ તેને કાબુમાં લઈ શકાય છે.

સાથે જ તેમણે લોકોએ એકજૂથ થઈને કોરોના વિરૂદ્ધ લડવું પડશે આ વાત પર ભાર આપ્યો હતો. વધુમાં જણાવ્યું કે, આ મામલે દેશનું સક્ષમ નેતૃત્વ પણ મોટો રોલ ભજવે છે. અનેક દેશ જેમણે સંક્રમણને હળવાશથી લીધું અને લોકોને બહાર આવવા-જવાની છૂટ આપી ત્યાં કેસ ફરી વધવા લાગ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, મુંબઈનું ધારાવી કોરોના સંક્રમણને લઈ ખૂબ જ ચર્ચામાં હતું અને ત્યાં દરરોજ અનેક કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ ગુરૂવારે ધારાવીમાં માત્ર નવ જેટલા નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ધારાવીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,347 થઈ ગઈ છે. ભારતની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખની નજીક છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. 

Tags :