US-Greenland Tension : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલૅન્ડ અંગેના તાજેતરના નિવેદનોએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક બ્રીફિંગ દરમિયાન સંકેત આપ્યો હતો કે, ગ્રીનલૅન્ડને હાંસલ કરવાના મુદ્દે રાષ્ટ્રપ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ વચ્ચે સક્રિય ચર્ચા ચાલી રહી છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે કમાન્ડર ઇન ચીફ પાસે સૈન્યનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ હંમેશા ખુલ્લો છે. વ્હાઇટ હાઉસના આ ચોંકાવનારા જવાબ બાદ ડેનમાર્ક સહિત અનેક યુરોપિયન દેશોમાં ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ છે.
ગ્રીનલૅન્ડને અમેરિકાનો ભાગ બનાવવા સક્રિય ચર્ચા
વેનેઝુએલાના તણાવપૂર્ણ સંજોગો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ગ્રીનલૅન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માટે સક્રિયપણે ચર્ચા કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની આક્રમક ગતિવિધિઓને રોકવા માટે આ વ્યૂહાત્મક પગલું ખૂબ જ જરૂરી છે. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પુષ્ટિ કરી છે કે, ટ્રમ્પ તેમના પ્રથમ કાર્યકાળથી જ ગ્રીનલૅન્ડ મુદ્દે વિચારી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ખતરાને પહોંચી વળવા માટે તમામ વિકલ્પો ખૂલ્લા રાખે છે, જોકે તેમની પ્રથમ પ્રાથમિકતા કૂટનીતિ રહી છે, પરંતુ સુરક્ષા જોખમો સામે તમામ વિકલ્પો વિચારણા હેઠળ છે.
યુરોપિયન નેતાઓનો સંયુક્ત વિરોધ
અમેરિકાની આ હિલચાલને પગલે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બ્રિટન અને ડેનમાર્ક સહિતના યુરોપિયન દેશોએ એકજૂથ થઈને વિરોધ નોંધાવ્યો છે. આ દેશોએ સંયુક્ત નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, ગ્રીનલૅન્ડ ત્યાંના સ્થાનિક લોકોનું છે. આર્કટિક વિસ્તારની સુરક્ષા કોઈ એક દેશના બદલે નાટો સહયોગીઓ સાથે મળીને કરવી જોઈએ, તેવી માગ પણ યુરોપિયન નેતાઓ દ્વારા કરવામાં આવી છે.
1.5 ટ્રિલિયન ડૉલરના ખર્ચે 'ડ્રીમ મિલિટરી'
પોતાના સૈન્ય મનસૂબાઓને પાર પાડવા માટે ટ્રમ્પે નાણાકીય વર્ષ 2027 માટે સંરક્ષણ બજેટમાં જંગી વધારો કરીને 1.5 ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓ અને સીનેટરો સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. આ માતબર રકમ દ્વારા અમેરિકા એક એવી 'ડ્રીમ મિલિટરી' તૈયાર કરવા માગે છે જે દુનિયાના કોઈપણ ખૂણે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે અને દેશને અભેદ સુરક્ષા પૂરી પાડે.


