US Seized Russian Tanker : ‘રશિયન જહાજ મૈરિનેરા’ને જપ્ત કરવા મામલે અમેરિકા અને રશિયા વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાએ ‘રશિયન જહાજ મૈરિનેરા’ને જપ્ત કર્યા બાદ હવે જહાજના ક્રૂ વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધ્યો હોવાનો દાવો કર્યો છે. બીજીતરફ રશિયન વિદેશ મંત્રાલયે સત્તાવાર કહ્યું છે કે, ‘અમે આ મામલે અમેરિકાની તમામ હિલચાલ પર નજર રાખી રહ્યા છે. રશિયાએ માંગ કરી છે કે, અમેરિકા રશિયન નાગરિક સાથે માનવીય વ્યવહાર કરે, તેના અધિકારોનું સન્માન કરે અને તેને વહેલીતકે પરત મોકલે.’
રશિયન ક્રૂ વિરુદ્ધ કેસ દાખલ કરાશે : અમેરિકન એટોર્ની જનરલ
અમેરિકન એટોર્ની જનરલ પામ બૉન્ડીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘અમેરિકન અધિકારીઓએ જપ્ત કરેલા બેલા-1 નામના મેરિનેરા ટેન્કરના ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે. ક્રૂ સભ્યોએ ટેન્કરને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. આ જહાજ વેનેઝુએલા અને ઈરાનથી પ્રતિબંધીત તેલ લઈને જઈ રહ્યું હતું.’ જહાજ પર સવાર ક્રૂ રશિયન નાગરિક હતો.
‘જહાજના સભ્યોએ કોસ્ટ ગાર્ડનો આદેશ ન માન્યો’
અમેરિકન એટોર્ની જનરલએ એમ પણ કહ્યું કે, ‘જહાજના સભ્યોએ કોસ્ટ ગાર્ડનો આદેશ માન્યો ન હતો. જહાજની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને તમામ દોષિતો વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવામાં આવશે. કોસ્ટ ગાર્ડની ટીમ અન્ય જહાજો પર પણ નજર રાખી રહી છે. કોઈપણ જહાજ કે કોઈપણ વ્યક્તિ કોસ્ટ ગાર્ડ, અન્ય સંઘીય અધિકારીઓના આદેશનું પાલન નહીં કરે તો તેમની તપાસ કરવામાં આવશે અને કાયદા મુજબ તેઓ પર કેસ દાખલ કરવામાં આવશે.’
રશિયન નાગરિકને અમેરિકા લઈ જવાશે
આ પહેલા વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટે કહ્યું હતું કે, ‘ફેડરલ યુએસ કાયદાના કથિત ઉલ્લંઘન બદલ ન્યાય પ્રક્રિયા પૂરી કરવા માટે ટેન્કરના ક્રૂને અમેરિકા લઈ જવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ બુધવારે (7 જાન્યુઆરી) વેનેઝુએલાથી તેલ લઈને જતા બે ટેન્કરોને પકડ્યા હતા. આમાંથી એક રશિયાનું મેરિનેરા જહાજ હતું, જ્યારે બીજા ટેન્કરનું નામ સોફિયા હતું.
રશિયન સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે કહ્યું કે, 1982ના ‘યુએન કન્વેશન ઓન ધ લો ઑફ ધ સી’ના નિયમો મુજબ કોઈપણ દેશને બીજા દેશોના અધિકાર ક્ષેત્રમાં રજિસ્ટર્ડ જહાજો વિરુદ્ધ શક્તિનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. અમેરિકાએ રશિયન ધ્વજવાળા ઓઇલ ટેન્કર મેરિનેરાને ઉત્તરી એટલાન્ટિકમાંથી જપ્ત કર્યું હતું. જ્યારે બીજા જહાજને કેરિબિયન સીમાંથી પકડ્યું હતું.


