અમેરિકાએ ઈરાનના કયા 3 પરમાણુ ઠેકાણે કર્યા હુમલા, જાણો તેમના વિશે વિગતવાર
Israel-Iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. જેનાથી વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વ યુદ્ધની ભીતિ વધી છે. અમેરિકાના બી2 બોમ્બર્સે ફોર્ડો, નાતાન્ઝ અને ઈસ્ફહાનમાં પરમાણુ ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. અમેરિકાએ આ ઓપરેશન માટે અત્યાધુનિક બી-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર્સનો ઉપયોગ કર્યો હતો, જે અમેરિકાની વાયુસેનાના સૌથી એડવાન્સ વ્યૂહાત્મક પ્લેટફોર્મમાં ગણાય છે. આ ત્રણેય ઠેકાણામાં ફોર્ડો સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તે સૌથી સુરક્ષિત પરમાણુ મથક હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ફોર્ડો પર વિમાને બોમ્બનો આખો પેલોડ વરસાવ્યો છે.
ફોર્ડો પરમાણુ મથક
તેહરાનથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને કોમની વિરુદ્ધ દિશામાં ફોર્ડો ઈરાનનું સૌથી સુરક્ષિત પરમાણુ મથક છે. તે ઈરાનનું સૌથી ગુપ્ત અને અત્યંત સુરક્ષિત પરમાણુ સુવિધા છે, જે પહાડોની નીચે ઊંડે દટાયેલું છે. આ પ્લાન્ટ જમીનથી લગભગ અડધો માઈલ નીચે પર્વતીય ખડકો વચ્ચે બનાવવામાં આવ્યો છે, જેના કારણે પણ તેને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવી રહ્યો હતો. ઈરાને તેને એવી રીતે બનાવ્યું હતું કે, જો કોઈ પણ દેશ સાધારણ બોમ્બમારો કરે તો વધારે નુકસાન નહીં થાય, પરંતુ અમેરિકાએ બોમ્બનો આખો પેલોડ વરસાવી દીધો છે. ટ્રમ્પે હુમલા પછી લખ્યું કે, 'ફોર્ડો તબાહ થઈ ગયું.' જોકે, હવે ઈરાને દાવો કર્યો છે કે, અમારી ન્યૂક્લિયર સાઈટ્સને કોઈ નુકસાન નથી થયું અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ સાથે જ રેડિએશનલ લીકના જોખમથી પણ ઈનકાર કરી દીધો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 2009માં જાહેરાત કરી હતી કે, ઈરાન વર્ષોથી ગુપ્ત રીતે ફોર્ડોનું નિર્માણ કરી રહ્યું હતું અને તેની જાણ IAEAને નથી કરાઈ. તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ તે સમયે કહ્યું હતું કે, 'આ સુવિધાનો આકાર અને ગોઠવણી શાંતિપૂર્ણ કાર્યક્રમ સાથે અસંગત છે.'
તાજેતરમાં જ ફોર્ડો પરમાણુ મથકની સેટેલાઈટ તસવીરો આવી હતી, જેમાં પહાડોના એક સમૂહમાં બનેલી પાંચ ટનલ જોઈ શકાય છે. આ ઉપરાંત એક વિશાળ સહાયક માળખું અને એક વિસ્તૃત સુરક્ષા ઘેરો પણ દેખાઈ રહ્યો હતો. તે ઈરાનના પવિત્ર શહેર કોમ નજીક સ્થિત છે. જાહેર રીતે ઉપલબ્ધ ઐતિહાસિક સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે વર્ષ 2002-04માં આ સાઈટ પર કામ શરૂ થયું હતું, જેમાં બે સફેદ ચોરસ માળખાં દેખાય છે જ્યાં આજે ટનલના પ્રવેશદ્વાર સ્થિત છે. IAEAની કહેવું છે કે અમારી પાસે 2002માં પણ બાંધકામ દર્શાવતી વધારાની તસવીરો છે.
આ પણ વાંચો: 'ન તો રેડિયેશન લીક, ન કોઈ નુકસાન...', અમેરિકાનો હુમલો નિષ્ફળ રહ્યાનો ઈરાનના સાંસદનો દાવો
નાતાન્ઝ ન્યૂક્લિયર સાઈટ
તેહરાનના દક્ષિણમાં શિયા મુસ્લિમ પવિત્ર શહેર કોમની બહાર પહાડોથી ઘેરાયેલા મેદાન પર ઈરાનના સંવર્ધન કાર્યક્રમના કેન્દ્રમાં એક પરિસર છે. નાતાન્ઝમાં બે સંવર્ધન પ્લાન્ટ સહિત સુવિધાઓ છે, એક વિશાળ ભૂગર્ભ ઈંધણ સંવર્ધન પ્લાન્ટ અને એક જમીન ઉપર પાયલોટ ઈંધણ સંવર્ધન પ્લાન્ટ. દેશનિકાલ કરાયેલ ઈરાની વિપક્ષી જૂથે 2002માં ખુલાસો કર્યો હતો કે ઈરાન ગુપ્ત રીતે નાતાન્ઝનું નિર્માણ કરી રહ્યું છે, જેના કારણે પશ્ચિમ અને ઈરાન વચ્ચે તેના પરમાણુ ઈરાદાઓ પર રાજદ્વારી અવરોધ ઉભો થયો છે જે આજે પણ ચાલુ છે. તે વ્યાપારી સ્તરે સંવર્ધન માટે બનાવવામાં આવ્યું હતું, જેમાં 50,000 સેન્ટ્રીફ્યુજ રાખી શકાય છે. ઈઝરાયલી અને અમેરિકન હુમલા પહેલા ત્યાં લગભગ 16,000 સેન્ટ્રીફ્યુજ સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 13,000 કાર્યરત હતા.
આ પણ વાંચો: ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, 3 પરમાણુ ઠેકાણે હુમલા, દુનિયાભરમાં હડકંપ
ઈસ્ફહાન
ઈરાનના બીજા સૌથી મોટા શહેર ઈસ્ફહાનની બહાર એક મોટું પરમાણુ ટેકનોલોજી કેન્દ્ર છે. તેમાં ફ્યુઅલ પ્લેટ ફેબ્રિકેશન પ્લાન્ટ અને યુરેનિયમ સુવિધા સામેલ છે જે યુરેનિયમને યુરેનિયમ હેક્સાફ્લોરાઈડમાં પ્રોસેસ કરી શકે છે જે સેન્ટ્રીફ્યુજમાં નાખવામાં આવે છે. એક્સપર્ટનું કહેવું છે કે, ઈરાન ઈસ્ફહાનમાં સમૃદ્ધ યુરેનિયમનો પણ સંગ્રહ કરે છે. ઈસ્ફહાન પાસે યુરેનિયમ ધાતુ બનાવવા માટેના સાધનો છે, એક એવી પ્રક્રિયા જે ખાસ કરીને પ્રસાર-સંવેદનશીલ છે કારણ કે તેનો ઉપયોગ પરમાણુ બોમ્બના મુખ્ય ભાગને તૈયાર કરવા માટે થઈ શકે છે. IAEA એ કહ્યું છે કે, ઈસ્ફહાન પાસે સેન્ટ્રીફ્યુજ પાર્ટસ બનાવવા માટે મશીનો છે, તેને 2022માં 'નવું સ્થાન' ગણાવ્યું છે.