ભારતે 59 ચીની એપ પર પ્રતિબંધ લાદતા ચીને શું દલીલ કરી ?
ભારતના પ્રતિબંધ પછી શાન ઠેકાણે આવી હોય એવી ગંભીર પ્રતિક્રિયા
રોકાણકારો માટેના આંતરરાષ્ટ્રીય નિયમનો ભંગ થયાની વાહિયાત દલીલ
નવી દિલ્હી, 30 ,જુન ,2020, મંગળવાર
એક સાથે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મુકતા માત્ર સરહદ પર જ નહી આર્થિક મોરચે પણ તણાવ વધી ગયો છે. ચીની એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરને હટાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ચાઇનિઝ વસ્તુઓ અને એપ્સ પર પ્રતિબંધ માટે સોશિયલ મીડિયામાં અભિયાન ચાલતું હતું પરંતુ ભારતમાં સત્તાવાર રીતે પ્રતિબંધ મુકવામાં આવશે એવું ચીને કદાંચ વિચાર્યુ પણ ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનની એપ્સ પર પ્રતિબંધ બંને દેશો વચ્ચેની આર્થિક લડાઇની હજુ શરુઆત છે.. આગામી દિવસોમાં ભારત હજુ પણ વધારે આકરા નિર્ણયો લઇ શકે છે.
પ્રતિબંધિત 59 એપમાંની ટિકટોક ભારતમાં સૌથી લોકપ્રિય વીડિયો એપ ગણાતી હતી. ટિકટોકના વિશ્વમાં 30 ટકા યુઝર્સ તો માત્ર ભારતમાં જ હતા. 59 એપ્સ પર પ્રતિબંધ મુકાતા શાન ઠેકાણે આવી હોય.એમ ચીને ધીમી અને ગંભીર પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને કહયું કે ચીનને ઘણી જ ચિંતા છે અને તે સ્થિતિની સમિક્ષા કરી રહયું છે. જો કે ચીને આંતરરાષ્ટ્રીય કાયદાની યાદ અપાવીને તમામ આંતરરાષ્ટ્રીય રોકાણકારોના કાનુની અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી હોવાનું જણાવ્યું હતું. એ રીતે ચીને એપ્સ પરના પ્રતિબંધને રોકાણકારો માટેના આંતર રાષ્ટ્રીય નિયમોનો ભંગ ગણાવ્યો હતો.