કોરોના સામે બહાદુરીથી લડીને જીતી જવાનું ગૌરવ આપણે સહુ ભવિષ્યમાં અનુભવીશું : એલિઝાબેથ
- ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથે એમના વિશ્વજોગ ભાષણમાં સહુનો ઉત્સાહ વધાર્યો
(પીટીઆઇ) લંડન,તા. 6 એપ્રિલ 2020, સોમવાર
ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ-૨ એ કોરોના વાઇરસની મહામારીમાં જીવન માટે ઝઝૂમતા વિશ્વને પાઠવેલા ઉલ્લાસપૂર્ણ સંદેશામાં દુનિયાના વિવિધ દેશોની રોચક અને હૃદયંગમ માનવીય વાર્તાઓનો હવાલો ટાંક્યો હતો.
''આગામી વર્ષોમાં આપણામાંની પ્રત્યેક વ્યક્તિ કોવિડ-૧૯ ના જોખમ સામે વીરતાભરી રીતે ઝઝૂમીને જીતી જવા બદલ ગૌરવ અનુભવી શકશે,'' એમ વિશ્વસમસ્તના માનવસમૂહને કરેલા ઐતિહાસિક સંબોધનમાં ૫૪ રાષ્ટ્રોના કોમનવેલ્થના પણ વડા એવાં ૯૩ વર્ષના મહારાણીએ જણાવ્યું હતું.
એમણે વિન્ડસર કેસલ ખાતે અગાઉથી રેકોર્ડ કરાયેલા અને ગઇ સાંજે ટીવી અને રેડિયો પરથી પ્રસારિત કરાયેલા આ સંબોધનમાં ઉમેર્યું કે કોમનવેલ્થના રાષ્ટ્રો સહિત દુનિયાભરમાં મુશ્કેલીના સમયમાં એક-બીજાની પડખે ઊભા રહેવા માટે આગળ આવતી વિવિધ પ્રજાની હૃદયંગમ વાતો આપણે જાણીએ છીએ, પછી એ વખતની પ્રવૃત્તિઓનો હેતુ મૂખ્યાને ભોજન અને દર્દીઓને દવા પહોંચાડવાનો હોય કે પછી પડોશીના પરિવારનું ધ્યાન રાખવાનો હોય કે બચાવ-રાહતની કામગીરી માટે વ્યાપારને પરિવર્તિત કરવા માટેનો હોય, એમ મહારાણીએ ઉમેર્યું.