'ભારત-પાકિસ્તાન પર અમારી દરરોજ નજર હોય છે', અમેરિકાનું મોટું નિવેદન
US Secretary of State Marco Rubio: રવિવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કંઈ થઈ રહ્યું છે, તેના પર અમેરિકા દરરોજ નજર રાખે છે. આ સાથે જ અમેરિકા ભારત-પાકિસ્તાન સાથે અન્ય એવા વૈશ્વિક વિસ્તારોની સ્થિતિ પર પણ દરરોજ નજર રાખે છે, જ્યાં તણાવની સ્થિતિ છે.'
રશિયા સીઝફાયર માટે હજુ સુધી આ માટે સહમત થયું નથી
રુબિયો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી મુલાકાત પછી યુક્રેન-રશિયા યુદ્ધમાં સીઝફાયરના પડકારો વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, 'યુદ્ધવિરામનો એકમાત્ર રસ્તો એ છે કે બંને પક્ષો એકબીજા પર ગોળીબાર કરવાનું બંધ કરવા માટે સહમત થાય, પરંતુ રશિયા હજુ સુધી આ માટે સહમત થયું નથી.'
એક પણ એવો દિવસ નથી જ્યારે અમારી નજર ભારત-પાકિસ્તાન પર ના હોય: અમેરિકા
પીટીઆઇના અહેવાલ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'સીઝફાયર જાળવી રાખવું ખૂબ મુશ્કેલ છે. અમે ભારત-પાકિસ્તાન અને કંબોડિયા-થાઇલૅન્ડ વચ્ચેના સંઘર્ષો પર નજર રાખીએ છીએ. દુશ્મનાવટ ચાલુ હોય ત્યારે વાતચીત મુશ્કેલ છે. તેમજ સીઝફાયર જલ્દી તૂટી શકે છે, આ વાત ખાસ કરીને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષો બાબતે સાચી પડે છે, જે સાડા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. તેથી અમેરિકા કાયમી યુદ્ધવિરામ કરતાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.'
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ: રુબિયો
આ સાથે જ ઇન્ટરવ્યુમાં રુબિયોએ ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'આપણે નસીબદાર છીએ કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ સ્થાપિત કરવાને પ્રાથમિકતા આપે છે. તેમણે કંબોડિયા-થાઇલૅન્ડ, ભારત-પાકિસ્તાન, રવાંડા-ડીઆરસીમાં શાંતિ જાળવવા પ્રયાસ કર્યો છે. આપણે દુનિયામાં શાંતિ લાવવા માટે દરેક તકનો ઉપયોગ કરતાં રહીશું.'
ટ્રમ્પના દાવા સામે ભારતની સ્પષ્ટતા
ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમના હસ્તક્ષેપથી જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો. જોકે, ભારતે આ દાવાઓનો સખત વિરોધ કરતાં કહ્યું છે કે પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવે છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકાર્ય નથી. ભારતે સ્પષ્ટતા કરી છે કે તેના સૈન્ય નિર્ણયો પર કોઈ વિદેશી નેતાનો પ્રભાવ નથી.