ફિટકાર બાદ NATO ચીફના સુર બદલાયા, કહ્યું - 'અમે ભારતને ગુમાવ્યો નથી પરંતુ સંબંધ..'
NATO Secretary Mark Rutte: NATOના પ્રમુખ માર્ક રુટે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેન પરની વ્યૂહરચના વિશે પૂછ્યું હતું. આ દાવો રશિયન તેલની આયાત પર અમેરિકન ટેરિફની ભારત પરની અસરના સંદર્ભમાં કરાયો હતો. જોકે, ભારતે સખત આપત્તિ વ્યક્ત કરતાં માર્ક રુટના સૂર બદલાયેલા જોવા મળ્યા છે.
હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન માર્ક રુટે કહ્યું કે, તેઓ ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારતે ચીન કે રશિયાના પક્ષમાં જઈને પોતાને ગુમાવ્યું નથી. NATOના મહાસચિવે કહ્યું, 'નરેન્દ્ર મોદી ચીનમાં શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન સાથે હતા. પરંતુ અમે હજી સુધી મોદીને ગુમાવ્યા નથી અને અમે હજી પણ ભારત સાથે ગાઢ સંબંધો જાળવી રહ્યા છીએ.'
વિવાદની શરૂઆત: મોદી-પુતિન કોલ પર ખોટો દાવો
વિવાદની શરૂઆત 25 સપ્ટેમ્બરના રોજ NATO ચીફ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનથી થઈ હતી. રુટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફની રશિયા પર મોટી અસર પડી રહી છે અને આ અંગે ભારત પુતિન સાથે વાત કરી રહ્યું છે. NATOના પ્રમુખે દાવો કર્યો હતો કે, 'નરેન્દ્ર મોદી તેમને યુક્રેન પર પોતાની વ્યૂહરચના જણાવવા માટે કહી રહ્યા છે, કારણ કે ભારત પર ટેરિફની અસર થઈ રહી છે.'
ભારતની પ્રતિક્રિયા
આના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'આવી અટકળો કે બેદરકારીભરી ટિપ્પણીઓ, જે વડા પ્રધાન મોદીને ખોટી રીતે રજૂ કરે છે અથવા એવી વાતચીત થવાનો દાવો કરે છે જે ક્યારેય થઈ જ નથી, તે અસ્વીકાર્ય છે.'
ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની સતત ખરીદીને યોગ્ય ઠેરવતા જયસ્વાલે કહ્યું કે, 'આ મામલે કોઈ બેવડું ધોરણ હોઈ શકે નહીં.' તેમણે આ વાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓના સંદર્ભમાં કહી હતી.
જયસ્વાલે કહ્યું કે, 'NATO પ્રમુખનું નિવેદન તથ્યપૂર્ણ રીતે ખોટું અને સંપૂર્ણપણે પાયાવિહોણું છે. વડા પ્રધાન મોદીની રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીતનો જે દાવો કરવામાં આવ્યો છે, તેવી કોઈ વાતચીત થઈ જ નથી.' વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે NATO જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થાના નેતૃત્વ પાસેથી જાહેર નિવેદનોમાં વધુ જવાબદારી અને ચોકસાઈ રાખવાની અપેક્ષા રાખીએ છીએ.'