ટ્રમ્પ નહીં ઝપે, લેપટોપથી માંડી ટુથબ્રશ સુધી... જાણો કયા સેક્ટર પર નવા ટેરિફ ઝીંકવાની તૈયારી!
Tariff on Electric Products: ફાર્માસ્યુટિકલ્સ પર 100 ટકા ટેરિફ લાદ્યા પછી ટ્રમ્પ હવે નવી ટેરિફ યોજના પર વિચાર કરી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈલેક્ટ્રિકલ ચીજવસ્તુઓ માટે તેમાં એમ્બેડ કરેલી ચિપ્સની સંખ્યાના આધારે નવી ટેરિફ યોજના પર વિચાર કરી રહ્યા છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી, જેના કારણે આ યોજના બદલાઈ શકે છે.
અમેરિકા મોંઘવારીથી ઝઝૂમી રહ્યું છે
અહેવાલો અનુસાર, જો ઈલેક્ટ્રિકલ ચીજવસ્તુઓ પર ટેરિફ લાદવામાં આવે છે, તો તે લેપટોપથી લઈને ટૂથબ્રશ સુધીના ઈલેક્ટ્રિકલ માલને અસર કરી શકે છે અને વૈશ્વિક ફુગાવામાં વધારો કરી શકે છે. સેમિકન્ડક્ટર કંપનીઓની આવક પર પણ અસર થશે. અમેરિકાના એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રી માઈકલ સ્ટ્રેને જણાવ્યું હતું કે, 'આ યોજના કોમોડિટીના ભાવમાં વધારો કરી શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકા મોંઘવારીથી ઝઝૂમી રહ્યું છે, જે હાલમાં ફેડના લક્ષ્યથી ઉપર છે અને વધી રહ્યું છે. ટેરિફ વધારાથી સ્થાનિક રીતે ઉત્પાદિત વસ્તુઓ પણ મોંઘી થશે કારણ કે ઈનપુટ ખર્ચ વધશે. આનાથી સામાન્ય માણસને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.'
નવા ટેરિફ સૂચવવામાં આવ્યા
લ્હાઈટ હાઉસના પ્રવક્તા કુશ દેશાઈએ જણાવ્યું હતું કે, અમેરિકા તેની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા માટે જરૂરી સેમિકન્ડક્ટર ઉત્પાદનો માટે વિદેશી આયાત પર આધાર રાખી શકે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્ર ઉત્પાદન કંપનીઓને યુએસમાં પાછા આકર્ષવા માટે એક સર્વાંગી, બહુપક્ષીય અભિગમ અપનાવી રહ્યું છે, જેમાં ટેરિફ, ટેક્સ ઘટાડા, નિયંત્રણમુક્તિ અને ઊર્જાનો સમાવેશ થાય છે.'
આ પણ વાંચો: એપસ્ટીન ફાઈલ્સના 8500 દસ્તાવેજોમાં ઈલોન મસ્ક, પીટરનું નામ ખુલ્યું
સેમિકન્ડક્ટર પર 100 ટકા ટેરિફનું વચન આપ્યું
કયા ચિપ-આધારિત ઉત્પાદનો ટેરિફને આધીન હશે, ચોક્કસ દરો અને સંભવિત મુક્તિઓ હજુ નક્કી કરવાની બાકી છે. ટ્રમ્પે પહેલાથી જ સેમિકન્ડક્ટર આયાત પર 100 ટકા ટેરિફનું વચન આપ્યું છે, જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સમાં ઉત્પાદન કરતી અથવા ઉત્પાદન કરવાનો ઈરાદો ધરાવતી કંપનીઓને મુક્તિ આપી છે. તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ સૌથી મોટા વિદેશી સપ્લાયર્સમાંના એક છે.
ફાર્મા પર 100 ટકા ટેરિફ
ઉલ્લેખનીય છે કે, આ દરખાસ્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા વેપાર નીતિને કડક બનાવવાના વ્યાપક પ્રયાસો વચ્ચે આવી છે. તેણે નવા આયાત ટેરિફની જાહેરાત કરી, જેમાં બ્રાન્ડેડ દવાઓ પર 100 ટકા ટેરિફ અને ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફનો સમાવેશ થાય છે, જે પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે.