શું ચીને કોરોના વાયરસનો ભોગ બનેલા ઇટલીને મદદ કરવાના સ્થાને દગો આપ્યો ?
વુહાન કોરોના સંક્રમણથી ઉભરાતું હતું ત્યારે ઇટલી મદદ આવ્યું હતું
ચીને વાયરસ ફેલાવ્યો હોવાથી મદદ પણ તેને કરવી જોઇએ –અમેરિકા
ન્યૂયોર્ક, 5 એપ્રિલ, 2020,રવીવાર
મિત્રની પરીક્ષા કપરા સમયમાં થાય છે આ વ્યકિત હોય કે દેશ બંને માટે સાચું છે. વિશ્વમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતું ઇટલી ચીની નાગરિકોનું સૌથી હોટ પ્લેસ રહયું છે. ચીનનો માલેતુંજાર વર્ગ વેડિંગ સેરેમની અને બર્થ ડે પાર્ટી ઉજવવા ઇટલી આવે છે. મધ્યચીનમાં આવેલા આર્થિક પાટનગર વુહાનથી ઇટલીના પાટનગર મિલાન વચ્ચે સીધી 2 વિમાની સેવાઓ ચાલે છે.
2020ના નવા વર્ષની ઉજવણી માટે મિલાનથી અનેક લોકો વુહાન આવ્યા હતા એ દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ થતા ઇટલીએ ચીનને મદદ કરી હતી કારણ કે એ સમયે ઇટલીમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ ન હતો જયારે વુહાન કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓથી ઉભરાતું હતું. હવે ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ શાંત પડી ગયો છે, દુનિયા લોકડાઉન છે ત્યારે કોરાનાનું એપી સેન્ટર ગણાતું ચીન ફરી ધમધમવા લાગ્યું છે. આવા સમયે એવા સમાચાર મળી રહયા છે કે ચીને ઇટલીને મદદ કરવાના સ્થાને દગો આપ્યો છે. અમેરિકાના સ્પેકટેટર મેગેઝિનમાં જણાવ્યા મુજબ કોરોના સંક્રમણની પીડા ભોગવી રહેલા ચીનને ઇટલીએ ખાનગી સુરક્ષા ઉપકરણ દાનમાં આપ્યા હતા. હવે ઇટલીને ઘર આંગણે કોરોનાનો પ્રકોપ વધતા આ ઉપકરણોની તાતી જુરુરીયાત ઉભી થઇ છે ત્યારે ચીન દાન આપીને બદલો વાળવાના સ્થાને વેચાણ કરી રહયું છે.
અમેરિકા દુનિયામાં કોરાના વાયરસનું ગઢ બની ગયું હોવાથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાસન ચીન પર ધૂવાપૂવા છે. આ અંગે એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે કોરોના સામે લડવાના સુરક્ષા સાધનોની કિંમત આંકીને ચીને છિછરાપણાનું પ્રદર્શન કર્યુ છે. થોડાક સમય પહેલાના મીડિયા રિપોર્ટ મુજબ ચીન દ્વારા વિવિધ દેશોને માસ્ક સહિતની કિટ મોકલવામાં આવી જે ખામીવાળી નિકળી હતી. સ્પેન દેશે તો કોરોના વાયરસ પરીક્ષણ માટે ચીનથી મંગાવેલી 50 હજાર કોરોના કિટ પરત મોકલી હતી. ચીનની આ ગુસ્તાખી છતાં માફી માંગવાના સ્થાને ડિફેકિટવ ઉપકરણોનો દોષ બીજા પર મઢવાનો પ્રયાસ કર્યો હતો.
સ્પેન પછી નેધરલેન્ડે પણ ચીનથી આવેલા અડધા માસ્ક સુરક્ષાના માપદંડો મુજબના નહી હોવાની ફરિયાદ કરી હતી. અમેરિકાનું માનવું છે કે કોરોના વાયરસથી દુનિયાને ચીને જ સંક્રમિત કરી હોવાથી તેણે જ વિકાસશીલ દેશોને વેપાર નહી મદદ કરવાની જવાબદારી લેવી જોઇએ.