રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનનો મોટો નિર્ણય, કહ્યું- 'ઝેલેન્સ્કીને વાત કરવી હોય તો મોસ્કો આવી જાય'
Vladimir Putin Russia: યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે જો સમજદારીથી કામ લેવામાં આવે તો હજુ પણ તક છે કે વાતચીત દ્વારા જ યુદ્ધનો અંત આવી જશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડશે તો મોસ્કો સૈન્ય કાર્યવાહી કરીને યુદ્ધ સમાપ્ત કરશે.
ચીનથી પરત આવતા જ પુતિને આપી ચેતવણી
ચીન સાથે નવી ગેસ પાઈપલાઈનના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી બુધવારે બેઇજિંગમાં પુતિને યુક્રેનને ચેતવણી આપતા કહ્યું કે, ' મને ઉત્સાહભર્યું વાતાવરણ દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે જો સમજદારીથી કામ લેવામાં આવે તો આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે સર્વસ્વીકૃત ઉકેલ પર સહમતી થઈ શકે છે. મારું આ જ માનવું છે. જો આમ નહીં થાય, તો આપણે આપણી સામે રહેલા તમામ પડકારોનો ઉકેલ સૈન્ય કાર્યવાહી દ્વારા લાવવો પડશે.'
પુતિને પોતાની માંગમાં કોઈ ફેરફાર કર્યો નથી
સમાધાનની વાત કરવા છતાં, પુતિને રશિયાની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેમાં યુક્રેન દ્વારા નાટોમાં જોડાવાની ઈચ્છા છોડી દેવી અને રશિયન ભાષીઓ પ્રત્યે મોસ્કો દ્વારા કરાતા ભેદભાવનો અંત લાવવાની માગનો પણ સમાવેશ થાય છે.
ઝેલેન્સ્કીને વાત કરવી હોય તો મોસ્કો આવી જાય: પુતિન
પુતિને કહ્યું કે, 'હું મોસ્કોમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવા તૈયાર છું, પરંતુ ત્યારે જ જ્યારે વાતચીત સારી રીતે થાય અને ચોક્કસ પરિણામ આપે.' પરંતુ કિવ (યુક્રેન) એ મોસ્કોને મંત્રણા સ્થળ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો અને યુક્રેનના વિદેશ મંત્રીને આ વિચારને અસ્વીકાર્ય ગણાવ્યો.
શાંતિ મંત્રણા અને પ્રતિબંધોની તલવાર
ઝેલેન્સ્કીએ વોશિંગ્ટન અને યુરોપિયન દેશોને રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા વિનંતી કરી છે અને પુતિન સાથે સીધી વાતચીત કરવા પર ભાર મૂક્યો છે. આ દરમિયાન, ટ્રમ્પે નેતાઓને મળવા પ્રોત્સાહિત કર્યા છે અને ચેતવણી આપી છે કે જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે, તો રશિયા પર વધુ પ્રતિબંધો લાદી શકાય છે.
આ પણ વાંચો: 'હદ ના વટાવતા...', પહેલીવાર UAE એ ઇઝરાયલને આપી ધમકી, જાણો મામલો કેમ બગડ્યો?
પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'જો શક્ય હોય તો અમે યુદ્ધને શાંતિપૂર્ણ માર્ગો દ્વારા ઉકેલવાનું પસંદ કરીશું, પરંતુ રશિયા તેના દાવાઓને છોડશે નહીં, જેમાં ચાર યુક્રેનિયન પ્રદેશો પર કબજો કરવાનો પણ સમાવેશ થાય છે. આ એવા વિસ્તારો છે જેને કિવ અને પશ્ચિમી દેશો ગેરકાયદેસર રીતે જમીન હડપી લેવા તરીકે ગણાવીને ફગાવી દે છે.'