'હદ ના વટાવતા...', પહેલીવાર UAE એ ઇઝરાયલને આપી ધમકી, જાણો મામલો કેમ બગડ્યો?
UAE warns Israel: અરબ દેશોમાં અત્યારે ઇઝરાયલના સૌથી સારા સંબંધો યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સાથે છે, પરંતુ ઇઝરાયલના તાજેતરના પગલાંથી UAE પણ નારાજ છે. UAEએ ઇઝરાયલને કબજે કરેલા વેસ્ટ બેન્કના કેટલાક વિસ્તારોને પોતાનામાં ભેળવી દેવાની કથિત યોજનાઓ અંગે કડક ચેતવણી આપી છે અને આ પગલાને 'રેડ લાઇન' ગણાવ્યું છે, જે પ્રાદેશિક સ્થિરતા અને ભવિષ્યના રાજદ્વારી સંબંધો માટે જોખમી છે.
બુધવારે, UAEના રાજકીય બાબતોના સહાયક મંત્રી, લાના નુસેબેહએ કહ્યું કે, ઇઝરાયલનો પ્રસ્તાવિત વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી દેવાની યોજના 'અબ્રાહમ એકોર્ડ'ને ગંભીર રીતે નબળો પાડશે, જેના હેઠળ 2020માં અબુ ધાબી અને તેલ અવીવ વચ્ચે ઔપચારિક સંબંધો સ્થાપિત થયા હતા.
ઘણા યુરોપિયન દેશો, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. તેના જવાબમાં, નેતન્યાહૂ સરકાર વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી દેવાની યોજના બનાવી રહી છે.
વેસ્ટ બેન્કના વિલિનીકરણ પર UAEની કડક ચેતવણી
UAEના એક વરિષ્ઠ અધિકારી, લાના નુસિબેહએ આ અંગે કડક ચેતવણી આપતા કહ્યું કે, 'આવું પગલું ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વિવાદની આગમાં ઘી હોમશે અને ટુ-સ્ટેટ સોલ્યુશનનો ફોર્મ્યુલા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.'
UAEના આ નિવેદન પર પેલેસ્ટાઈન ઓથોરિટીના વિદેશ મંત્રાલયે તરત જ તેનો સ્વીકાર કર્યો. ઇઝરાયલ સરકાર તરફથી UAEના નિવેદન પર હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. આ પહેલા, ઇઝરાયલના નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિકે એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલ 80% વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી શકે છે.
વેસ્ટ બેન્કનો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ
ઇઝરાયેલે 1967ના યુદ્ધ દરમિયાન વેસ્ટ બેન્કનો એક ભાગ કબજે કર્યો હતો, જ્યાં 7 લાખ યહૂદીઓ વસે છે. આ ઉપરાંત, પૂર્વ યરૂશલેમનો એક ભાગ પણ ઇઝરાયલના નિયંત્રણમાં છે. પેલેસ્ટાઈનીઓ આ જગ્યા પાછી મેળવવા માગે છે જેથી તેઓ પેલેસ્ટાઈન દેશની સ્થાપના કરી શકે. એક અંદાજ મુજબ, વેસ્ટ બેન્કમાં લગભગ 33 લાખ પેલેસ્ટાઈનીઓ રહે છે. હવે, આના મોટા ભાગ પર ઇઝરાયલના કબજાની યોજનાએ UAEને પણ ઉશ્કેર્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2020માં અમેરિકાની મધ્યસ્થીથી અબ્રાહમ એકોર્ડ થયો હતો. આ કરાર હેઠળ, UAE, બહેરીન અને મોરોક્કોએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા માટે સંમતિ આપી હતી.
આ કરારની ખૂબ ચર્ચા થઈ હતી. યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મોમાં અબ્રાહમ એક એવી વ્યક્તિ છે જે ત્રણેયમાં જુદા જુદા નામે મહત્ત્વ ધરાવે છે, તેથી તેને આધાર બનાવીને આ કરારનું નામ અબ્રાહમ એકોર્ડ રાખવામાં આવ્યું. ત્યારથી અત્યાર સુધી આ દેશોએ ઇઝરાયલ સાથે સંબંધો જાળવી રાખ્યા છે અને ગાઝા પરના હુમલાઓ દરમિયાન પણ તેમણે કંઈ કહ્યું નહોતું. પરંતુ હવે આ પ્રતિક્રિયાના ગહન અર્થ છે. વાસ્તવમાં, નેતન્યાહૂ સરકારના કેટલાક કટ્ટરપંથી મંત્રીઓ ઇચ્છે છે કે સમગ્ર વેસ્ટ બેન્ક અથવા તેના મોટા ભાગનું ઇઝરાયેલમાં વિલિનીકરણ કરવામાં આવે.