Get The App

ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા પુતિને ભારતના ખૂબ વખાણ કર્યા, સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
Russia President Vladimir Putin on Independence Day

Russia President Vladimir Putin on Independence Day: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને તેની ખૂબ પ્રશંસા કરી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. ત્યારબાદ ભારત અને રશિયાના સંબંધ વધુ સારા થયા હોવાનું જોઈ શકાય છે. 

એવામાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપેલા પોતાના શુભેચ્છા સંદેશમાં પુતિને વૈશ્વિક મંચ પર ભારતે 'કુશળતાપૂર્વક મેળવેલી ક્રેડિટ'ની ખૂબ પ્રશંસા કરી. તેમણે દુનિયાના મહત્ત્વના મુદ્દાઓ ઉકેલવામાં ભારતની સક્રિય ભૂમિકાના પણ વખાણ કર્યા. 

પુતિને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી 

ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશ મોકલતા પુતિને બંને દેશો વચ્ચેની 'ખાસ વ્યૂહાત્મક ભાગીદારી'ને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પુતિને પોતાના સંદેશમાં કહ્યું, 'ભારત વૈશ્વિક મંચ પર પોતાની કુશળતાપૂર્વક મેળવેલી શાખને પાત્ર છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મહત્ત્વના મુદ્દાઓ ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. અમે ભારત સાથેની અમારી ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ.'

રશિયા અને ભારત દરેક ક્ષેત્રમાં રચનાત્મક સહયોગ વધારશે 

પુતિને પોતાના સંદેશમાં એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રશિયા અને ભારત સાથે મળીને દરેક ક્ષેત્રમાં રચનાત્મક સહયોગ વધારશે. તેમણે કહ્યું, 'આ આપણા બે મિત્ર દેશોના લોકોના હિતમાં છે અને ક્ષેત્રીય તથા વૈશ્વિક સ્તરે સુરક્ષા અને સ્થિરતાને મજબૂત કરવાની દિશામાં છે.' 

આ પણ વાંચો: ટ્રમ્પ-પુતિનની બેઠક પહેલા જ રશિયાએ ટ્રમ્પનો ખેલ બગાડ્યો! કહ્યું- સંયુક્ત નિવેદનની શક્યતા ઓછી

પુતિનનું આ નિવેદન ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે, જે આવનારા સમયમાં વધુ મજબૂત થવાની અપેક્ષા છે. ગત સપ્તાહે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત-રશિયાની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા પુતિને ભારતના ખૂબ વખાણ કર્યા, સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા 2 - image