ટ્રમ્પ-પુતિનની બેઠક પહેલા જ રશિયાએ ટ્રમ્પનો ખેલ બગાડ્યો! કહ્યું- સંયુક્ત નિવેદનની શક્યતા ઓછી
Trump Putin Meeting: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સચિવ એટલે કે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગુરુવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શિખર સંમેલન પછી કોઈ સંયુક્ત નિવેદન બહાર પાડવાની કોઈ યોજના નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બેઠક ખૂબ જ ઉતાવળમાં ગોઠવવામાં આવી છે અને અલાસ્કામાં થનારી આ બેઠક બાદ કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની શક્યતા ઓછી છે.
સંયુક્ત નિવેદનની શક્યતા ઓછી
સ્થાનિક સમય મુજબ 15 ઑગસ્ટે એટલે કે ભારતીય સમય મુજબ 15-16 ઑગસ્ટની રાત્રે 1 વાગ્યે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને પુતિનની બેઠક શરૂ થશે. અગાઉ એવી અટકળો હતી કે બેઠક પછી સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે, પરંતુ ક્રેમલિનના પ્રવક્તાએ આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે.
રશિયન સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં એક પ્રશ્નના જવાબમાં પેસ્કોવે કહ્યું હતું કે, 'ના, આવી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. અમે આવી કોઈ તૈયારી કરી નથી અને કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની શક્યતા પણ ઓછી છે.'
બંને નેતા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે
જોકે, ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું કે, 'બંને નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે, કારણ કે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન બેઠક દરમિયાન થયેલા કોઈપણ કરાર કે સમજૂતીની રૂપરેખા બધાની સામે રજૂ કરશે.'
પેસ્કોવે જણાવ્યું કે, 'શુક્રવારે અમેરિકાના અલાસ્કામાં યોજાનારી આ શિખર બેઠક ખૂબ જ ઓછા સમયમાં ગોઠવવામાં આવી છે. આ દરમિયાન બંને નેતાઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને બેઠકના પરિણામો વિશે અગાઉથી કોઈ આગાહી કરવી ન જોઈએ.'
ટ્રમ્પ વિશે રશિયન પ્રવક્તાએ શું કહ્યું?
આ ઇન્ટરવ્યુ પછી, રશિયાના સરકારી ટેલિવિઝન પર બોલતા પેસ્કોવે કહ્યું કે ટ્રમ્પ મુશ્કેલ મુદ્દાઓ પ્રત્યે 'અત્યંત અસામાન્ય દૃષ્ટિકોણ' ધરાવે છે. તેમણે ઉમેર્યું કે રશિયા અને રાષ્ટ્રપતિ પુતિન વ્યક્તિગત રીતે ટ્રમ્પના આ દૃષ્ટિકોણને ખૂબ મહત્ત્વ આપે છે. અલાસ્કાની બેઠક હાલમાં ઉચ્ચ સ્તરે અમેરિકા અને રશિયાની દ્વિપક્ષીય બેઠક છે અને બેઠકના પછીના તબક્કામાં યુક્રેનના દૃષ્ટિકોણ પર વિચાર કરવામાં આવશે.'
આ પણ વાંચો: રશિયા અને યુક્રેન વચ્ચે થશે સીઝફાયર? ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પર દુનિયાની નજર
વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત અનુવાદકોની હાજરીમાં થશે. આ પછી, બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે વાતચીત થશે. રશિયા તરફથી આ બેઠકમાં વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ, રાષ્ટ્રપતિના સલાહકાર યુરી ઉશાકોવ, રક્ષા મંત્રી બેલૌસોવ, નાણા મંત્રી સિલુઆનોવ અને વિશેષ દૂત દિમિત્રીએવ સામેલ થશે.
પુતિન સાથેની બેઠક પહેલાં ટ્રમ્પે શું કહ્યું?
બેઠક વિશે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે, 'મને વિશ્વાસ છે કે રશિયન રાષ્ટ્રપતિ યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના કરાર પર પહોંચવાના ઇરાદાથી શુક્રવારની અલાસ્કા બેઠકમાં આવશે. મને લાગે છે કે પુતિન ખાતરી ધરાવે છે કે તેઓ એક ડીલ કરશે. તેઓ બેઠકના પરિણામોના આધારે જ આગળનું પગલું ભરશે. જો બેઠક ખરાબ રહેશે, તો હું કોઈને ફોન કરીશ નહીં અને સીધો ઘરે જતો રહીશ, પરંતુ જો બેઠક સારી રહેશે, તો હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓને ફોન કરીશ.'