‘યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત એક મુશ્કેલ કામ’, અમેરિકન પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ બોલ્યા પુતિન

Russia-Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા માટે મોસ્કોમાં રશિયન અધિકારીઓ અને અમેરિકન અધિકારીઓ વચ્ચે પાંચ કલાક સુધી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, ‘રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકી અધિકારીઓ સાથે થયેલી વાતચીત જરૂરી અને કામની હતી, પરંતુ યુદ્ધ સમાપ્ત કરવું એક મુશ્કેલ કામ છે.’
હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી : રશિયા
મોસ્કોમાં અમેરિકી પ્રતિનિધિઓ તરફથી જેરેડ કુશનર અને સ્ટીવ વિટકૉફ, જ્યારે રશિયા તરફથી રાષ્ટ્રપ્રમુખ પુતિનના સહયોગી યુરી ઉશાકોવ અને વિશેષ દૂત કિરિલ દિમિત્રિવ સામેલ થયા હતા. બેઠક બાદ યુરી ઉશાકોવે કહ્યું કે, ‘હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી. અમેરિકાના કેટલાક પ્રસ્તાવ પર અમે સહમત છીએ, પરંતુ કેટલાક પ્રસ્તાવ અમને સ્વીકાર્ય નથી.’
અમેરિકન પ્રસ્તાવના કેટલાક મુદ્દાથી પુતિનને વાંધો
અમેરિકાએ 28 સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાંની કેટલીક જોગવાઈઓ પર રાષ્ટ્રપ્રમુખ પુતિન(Russia President Vladimir Putin)ને વાંધો છે. આ પ્રસ્તાવ પર યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) પણ અમુક મુદ્દાઓ પર સંમતિ આપી છે, તો અમુક મુદ્દા સંપૂર્ણ ફગાવી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ના વહીવટીતંત્રની પહેલ પર આ શાંતિ પ્રયાસોમાં તેજી આવી છે, તેમ છતાં રશિયા અને યુક્રેન વચ્ચેના 'રેડ લાઇન્સ' પ્રસ્તાવોને ઉકેલવા હજુ પણ મુશ્કેલ કાર્ય બની રહેલું છે.
યુરોપને પુતિનની ધમકી
રાષ્ટ્રપ્રમુખ પુતિને અમેરિકી પ્રતિનિધિઓ સાથેની મુલાકાત પહેલાં યુરોપને સીધી ધમકી આપતાં કહ્યું હતું કે, ‘અમે યુરોપ સાથે યુદ્ધ કરવા માંગતા નથી, પરંતુ જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે, તો અમે તૈયાર છીએ. જો યુરોપ રશિયા સાથે યુદ્ધ શરુ કરશે, તો એવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં વાતચીત કરવા માટે કોઈ બચશે નહીં.’
આ પણ વાંચો : યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે: જાણો કયા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી

