સ્પેનમાં કોરોનાના સતત ફેલાવાને લઈ કોફીન બનાવતું ગામ ધમધમી ઉઠ્યું
- ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં પરંતુ કોફીનની માંગ જોતાં ઉત્પાદન બમણું થયું
સ્પેન, તા. 16 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના વાયરસના કારણે આખી દુનિયાનું કામ અટકી પડ્યું છે પરંતુ સ્પેનના એક નાનકડા ગામ પિનોરમાં દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. જેમ-જેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેમ-તેમ આ ગામના કારીગરોના હાથ બમણી ઝડપથી કામ કરી રહ્યા છે. હકીકતે ઉત્તર પશ્ચિમી સ્પેનના આંતરિયાળ વિસ્તારમાં આવેલું માત્ર એક હજાર લોકોની વસ્તી ધરાવતું પિનોર નામનું આ ગામ કોફીન એટલે કે શબપેટીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. આ કારણે જ કોરોનાના લીધે મૃતકઆંક વધતા લોકો બમણી ઝડપે કોફીન બનાવવાનું કામ કરી રહ્યા છે.
ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં
કોરોનાના લીધે અત્યાધિક પ્રભાવિત થયેલા દેશો પૈકીના એક સ્પેનમાં બે મહીનામાં 19,130થી પણ વધારે લોકોના મોત થયા છે. આ કારણે પિનોર ગામના કોફીન બનાવતા નવ કારખાનાઓમાં પહેલાની સરખામણીએ બમણી ઝડપથી કોફીન બનાવાઈ રહ્યા છે અને એક દિવસમાં 400 જેટલા કોફીન તૈયાર થઈ રહ્યા છે. ગામના મેયર જોસ લુઈસના કહેવા પ્રમાણે આ ગામમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો પરંતુ તેમની ટીમ સતત નજર રાખી રહી છે.
માંગ વધતા કામ વધ્યું
મહામારીના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા હોવાથી અંતિમસંસ્કાર ઉદ્યોગ પણ દબાણમાં આવી ગયો છે કારણ કે, ચીનથી આયાત બંધ થઈ ગઈ છે. હાલ કારીગરો પહેલા કરતા વધારે સમય કામ કરી રહ્યા છે અને માંગ વધુ હોવાથી સંગેમરમર કે કાચનું નકશીકામ કરવાને બદલે ખૂબ સામાન્ય રીતે કોફીન બનાવાઈ રહ્યા છે.
ચીડના ઝાડ વધુ હોવાથી કોફીન ઉદ્યોગ ફાલ્યો
પિનોર ગામ જ્યાં આવેલું છે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચીડના ઝાડ આવેલા છે જેનું લાકડું કોફીન બનાવવા માટે વપરાય છે. જો કે, છેલ્લા થોડા દાયકાથી કોફીન બનાવવાની કલામાં પણ પરિવર્તન આવ્યું છે. આશરે 25 વર્ષ પહેલા તમામ કોફીન લંબચોરસ બનતા હતા જેમાં ચીડનું લાકડું વપરાતું હતું. જો કે હવે લોકો ડિઝાઈનર કોફીનની માંગ કરે છે અને ચીડના લાકડા પર કોતરણી કરવી મુશ્કેલ હોવાથી પેપર ફાઈબરના બનેલા અલગ લાકડાનો ઉપયોગ થાય છે. આઈવરી કોસ્ટથી આયાત કરવામાં આવતું આ લાકડું સુકાઈ ગયા બાદ પથ્થર જેવું દેખાય છે.