VIDEO : ખતરનાક ભૂકંપ વચ્ચે પણ રશિયન ડૉક્ટર સર્જરી કરતા રહ્યા, ઓપરેશન બંધ ન કર્યું
Russia Earthquake: રશિયાના કામચટકામાં આજે વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી, જેના પછી સુનામીની લહેરો ઉઠી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. આ ભૂકંપ પછી જાપાન અને અમેરિકી એજન્સીઓએ પણ પોતાના દરિયાઈ વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન રશિયામાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે કુદરતી આફત વચ્ચે માનવીય જુસ્સાનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થઈ રહ્યો છે.
સર્જરી દરમિયાન ડૉકટર્સની બહાદુરી
આ ભૂકંપ અને તેનાથી થયેલી તબાહી વચ્ચે રશિયામાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દર્દીનું જીવન બચાવવા માટે ડૉકટર્સની ટીમની તત્પરતા દેખાઈ રહી છે. રશિયાના સરકારી ટેલિવિઝન નેટવર્કએ પોતાના X હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉકટર્સ એક દર્દીની સર્જરી કરી રહ્યા છે અને જેવો ભૂકંપનો આંચકો અનુભવાય છે, બાજુમાં બેઠેલો એક અન્ય ડૉકટર્સ પણ દર્દીની સુરક્ષા માટે સર્જરી બેડ પાસે આવી જાય છે.
દર્દીની સર્જરી સફળ રહી છે અને હવે તે સ્વસ્થ છે
CCTVમાં કેદ થયેલા આ વીડિયોમાં દેખાય છે કે ભૂકંપના તીવ્ર આંચકા વચ્ચે પણ ડૉકટર્સ દર્દીની સર્જરી ચાલુ રાખે છે અને દર્દીની સુરક્ષા માટે અન્ય ડૉકટર તેને પકડી રાખે છે. ભૂકંપના તીવ્ર આંચકા વચ્ચે પણ ડૉકટર્સ જે શાંતિથી પોતાનું કામ કરતા રહ્યા, તેની હાલ ખૂબ પ્રશંસા થઈ રહી છે.
રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે આ સંબંધમાં એક નિવેદન પણ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 'દર્દીની સર્જરી સફળ રહી છે અને હવે તે સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રશિયન ડૉકટર્સના આ જુસ્સાને સલામ કરી રહ્યા છે અને તેમને બહાદુર ગણાવી રહ્યા છે.