World

VIDEO : મિસાઈલની જેમ રોડ પર વિમાન ક્રેશ, 9ના મોત, અમેરિકાના ફ્લોરિડામાં મોટી દુર્ઘટના

By GS Team
2 Nov 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે એક પ્રાઈવેટ બિઝનેસ જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ટેક્સાસથી બહામાસ જઈ રહેલું Learjet 60 નામનું આ વિમાન અનિયંત્રિત થઈને જમીન પર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 9 લોકોના કરુણ મોત થયા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મિસાઈલની જેમ રોડ પર વિમાન ક્રેશ, 9ના મોત, અમેરિકાના ફ્લોરિડામાં મોટી દુર્ઘટના

USA Plane Crash : અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ફ્લોરિડામાં રવિવારે એક પ્રાઇવેટ બિઝનેસ જેટ વિમાન અચાનક અનિયંત્રિત થઈને મિસાઈલની માફક સીધું જમીન પર તૂટી પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અમેરિકાના પરિવહન મંત્રી શૉન ડફીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના પ્રમુખ ટ્રમ્પના પેલેસથી લગભગ 11 કિ.મી.ના અંતરે જ સર્જાઈ હતી.

ટેક્સાસથી બહામાસ જઈ રહ્યું હતું વિમાન
પ્રાપ્ત માહિતી અનુસાર, 'લિયરજેટ 60' (Learjet 60) નામનું આ પ્રાઇવેટ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહામાસ માટે રવાના થયું હતું. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ દુર્ઘટનાને એક મોટી ત્રાસદી ગણાવી છે. આ વિમાનનો ટેલ નંબર N722BD હતો.

દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતમાં પાઈલટે જણાવ્યું હતું કે વિમાન પર બરફ જામી રહ્યો છે, બહારનું તાપમાન -47 ડિગ્રી સેલ્સિયસ છે અને મધ્યમ સ્તરનું ટર્બુલેન્સ છે. જો કે, થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ અને પાયલટે કટોકટી (Emergency) જાહેર કરતાં કહ્યું કે વિમાન 20000 થી 22000 ફૂટ પ્રતિ મિનિટની અત્યંત ઝડપે નીચે જઈ રહ્યું છે અને ઓવરસ્પીડની સ્થિતિ છે.

બેકગ્રાઉન્ડમાં એલાર્મના અવાજો વચ્ચે ક્રૂ વિમાન પર કાબૂ મેળવવાનો આખરી પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે કંટ્રોલરે હિંમત આપતા કહ્યું કે "હું તમારી સાથે છું, વાત કરો." પરંતુ પરિસ્થિતિ વણસતાં કોકપિટમાંથી ભય અને ઘબરાહટનો અવાજ આવ્યો કે, "બહાર જુઓ… હે ભગવાન, હવે અમારી પાસે સમય નથી બચ્યો!" અને આ અંતિમ ચીસ સાથે જ ટ્રાન્સમિશન હંમેશા માટે બંધ થઈ ગયું.

દક્ષિણ ફ્લોરિડાના એક વિસ્તારમાં રવિવારે આ વિમાન અચાનક હવામાંથી ધડાકાભેર નીચે આવી ગયું હતું. જમીન સાથે અથડાતા જ વિમાનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

ઘરો અને વાહનોથી થોડે જ અંતરે સર્જાઈ દુર્ઘટના

પ્રત્યક્ષદર્શીઓ અને કાર ચાલકોએ બનાવાયેલા વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિમાન આકાશમાંથી અત્યંત ઝડપથી નીચે પડ્યું હતું. સદનસીબે આ વિમાન નજીકની વસાહતના ઘરો અથવા ત્યાંથી પસાર થઈ રહેલા વાહનો સાથે અથડાતા માંડ-માંડ બચી ગયું હતું, નહીંતર મોટી જાનહાનિ થઈ શકત. વિમાન એક વ્યસ્ત રસ્તાની બિલકુલ નજીક પડતાં ત્યાં મોટો ખાડો પડી ગયો હતો અને ચારેય તરફ આગની લપટો સાથે ઘાટો કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ અકસ્માત મિલિટરી ટ્રેલ અને 10મા એવેન્યુ નોર્થ પાસે સર્જાયો હતો.

તંત્ર એલર્ટ, તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ પામ બીચ કાઉન્ટી શરિફ કાર્યાલય દ્વારા બંને તરફના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને ફાયર ફાઇટર સહિતની ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વિમાન દુર્ઘટનાગ્રસ્ત કેમ થયું અને તેના પાછળનું અસલી કારણ શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ની વિશેષ ટીમ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.