World

વેનેઝુએલા, જાપાન અને... એક જ દિવસમાં દુનિયાના ચાર દેશોમાં ભૂકંપ, ભારતના આ રાજ્યમાં પણ આંચકો

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
વેનેઝુએલામાં 39 સેકન્ડમાં 2 શક્તિશાળી ભૂકંપે હાહાકાર મચાવ્યો છે. કારાકાસ અને મોરોન શહેરમાં એરપોર્ટ સહિત અનેક ઇમારતો ધ્વસ્ત થઈ, 32 લોકોના મોત અને 700થી વધુ ઘાયલ થયા. ઉત્તરી કેલિફોર્નિયા, જાપાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલા, જાપાન અને... એક જ દિવસમાં દુનિયાના ચાર દેશોમાં ભૂકંપ, ભારતના આ રાજ્યમાં પણ આંચકો

Global Earthquake Alerts: સમગ્ર વિશ્વમાં કુદરતી આફતનો ભયાનક માહોલ જોવા મળી રહ્યો છે. વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડની અંદર આવેલા 2 શક્તિશાળી ભૂકંપને કારણે ભારે હાહાકાર મચી ગયો છે. આ ભૂકંપ એટલો પ્રચંડ હતો કે દેશમાં તાત્કાલિક અસરથી આટોકટી (ઇમરજન્સી) જાહેર કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 700 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે. વેનેઝુએલા ઉપરાંત ઉત્તરી કેલિફોર્નિયા, જાપાન અને ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, જેને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વેનેઝુએલામાં બધું જ તબાહ, સુનામીનું એલર્ટ જાહેર

વેનેઝુએલાની રાજધાની કારાકાસ અને મોરોન શહેરમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપના કારણે એરપોર્ટ તૂટી પડ્યું છે અને અનેક બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. ચારેય તરફ વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ભયાનક ભૂગર્ભીય હલચલ બાદ તટીય વિસ્તારોમાં દરિયાઈ મોજા ઉછળવાની આશંકા વચ્ચે સુનામીનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તરી કેલિફોર્નિયા અને જાપાનમાં પણ પ્રચંડ આંચકા

વેનેઝુએલાની સાથે અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં પણ ભીષણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. આ આંચકાના કારણે સેંકડો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને લોકો ડરના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. બીજી તરફ, ભૂકંપના કેન્દ્ર ગણાતા જાપાનના ઉત્તર-પૂર્વી તોહોકુ વિસ્તારમાં 6.9 ની અત્યંત ખતરનાક તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ આંચકાથી ઇવાતે અને આઓમોરી પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારો હચમચી ગયા હતા. જો કે, જાપાનમાં કોઈ મોટા જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકો ભારે દહેશતમાં છે.

ભારતના જમ્મુ-કાશ્મીરમાં પુલવામા પાસે કેન્દ્રબિંદુ

વિશ્વના આ 3 દેશો ઉપરાંત ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પુલવામા ક્ષેત્ર નજીક 33.913° ઉત્તર અક્ષાંશ અને 75.095° પૂર્વ રેખાંશ પર જમીનની અંદર હતું. અહીં પણ આંચકો અનુભવાતા જ લોકો સુરક્ષા માટે પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.

શું પૃથ્વી કોઈ મોટા જોખમનો એલર્ટ આપી રહી છે?

એકસાથે વિશ્વના અલગ-અલગ છેડે આવેલા ભૂકંપના કારણે લોકોમાં એવી આશંકા જાગી છે કે શું પૃથ્વી કોઈ મોટા વિનાશનો સંકેત આપી રહી છે? જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપ અંગે આવી કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી. દુનિયાભરમાં દરરોજ હજારો નાના-મોટા ભૂકંપ આવતા હોય છે અને કોઈ મોટા વૈશ્વિક ખતરા અંગે હાલમાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સ્થાનિક એજન્સીઓ હાલ તમામ પ્રભાવિત વિસ્તારોમાં આફ્ટરશોક્સ પર કડક નજર રાખી રહી છે.