કોમામાં રહેલી કોરોનાગ્રસ્ત ગર્ભવતીએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો
- પ્રસવના પાંચ દિવસ બાદ હોંશમાં આવેલી એન્જેલા બાળકીને જોઈ ચોંકી ગઈ
વોશિંગ્ટન, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
અમેરિકામાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચિકિત્સા જગતનો ચમત્કારિક બનાવ સામે આવ્યો છે. કોમામાં રહેલી કોરોનાગ્રસ્ત 27 વર્ષીય એન્જેલા પ્રમાચેન્કો નામની ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થાના 34મા સપ્તાહ દરમિયાન એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે.
ગર્ભાવસ્થાના 33મા સપ્તાહ દરમિયાન એન્જેલામાં કોરોનાના તાવ સહિતના અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. ત્યાર બાદ 24મી માર્ચના રોજ પરીક્ષણ દરમિયાન તેનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી 26મી માર્ચના રોજ તેને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવી હતી.
વેનકુંવરની રહેવાસી એન્જેલાની સ્થિતિ રિપોર્ટ કરાવ્યાના આઠ દિવસ બાદ ખૂબ જ બગડી ગઈ હતી અને તે કોમામાં જતી રહી હતી. ત્યાર બાદ વેન્ટિલેટર પર તેણી ગર્ભમાં રહેલા બાળક સાથે કોરોના સામે જીવન-મરણનો જંગ લડી રહી હતી.
કોમામાં રહેલી એન્જેલાએ ડોક્ટર્સની હાજરીમાં જ બાળકીને જન્મ આપ્યો હતો અને પ્રસવના પાંચ દિવસ બાદ હોંશમાં આવતા તેણી પોતાની બાળકીને જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે પોતાના સાથે બનેલી ઘટનાને ભાવનાત્મક રીતે અવિશ્વસનીય ગણાવી હતી અને છેલ્લા 10 દિવસમાં પોતાના સાથે શું બન્યું તેનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.
ડિલિવરી બાદ હોસ્પિટલના સ્ટાફે તાળીઓ વડે બાળકીના સકુશળ જન્મ અને કોરોના સામેના વિજયની શુભેચ્છા પાઠવી હતી. એન્જેલાએ પોતે અને બાળકી કોરોના સામે જીતી ગયા તેના પાછળ પોતાના પરિવારની દુઆ અને પ્રેમને જવાબદાર ગણાવ્યા હતા.