Get The App

ફરી અફઘાનિસ્તાનમાં ઘૂસશે અમેરિકાની સેના! ટ્રમ્પે એરબેઝ પરત લેવાની જાહેરાત કરતાં હલચલ

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
ફરી અફઘાનિસ્તાનમાં ઘૂસશે અમેરિકાની સેના! ટ્રમ્પે એરબેઝ પરત લેવાની જાહેરાત કરતાં હલચલ 1 - image


US Troops May Sent back to Afghan: અમેરિકા ફરી એકવાર અફઘાનિસ્તાનમાં પોતાની સેના તૈનાત કરી શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે બગરામ એરબેઝનો ઉલ્લેખ કરતાં આ અંગે જાણકારી આપી હતી. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લેવામાં આવ્યા બાદ અમેરિકા ફરી અફઘાનિસ્તાનમાં પોતાનું સૈન્ય દળ ઉભુ કરવા માગે છે.

ટ્રમ્પે કરી જાહેરાત

ટ્રમ્પે યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જણાવ્યું હતું કે, 'અમારૂ વહીવટીતંત્ર કાબુલના બગરામ એરબેઝમાં ફરી કંટ્રોલ મેળવવા કામ કરી રહ્યું છે. અમે તેને તાલિબાનને કંઈપણ લીધા વિના સોંપી દીધુ હતું. હવે અમે પાછું લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક બ્રેકિંગ ન્યૂઝ હોઈ શકે.' ઉલ્લેખનીય છે, તાલિબાને 2021માં અફઘાન સરકાર ઉથલાવી બગરામ પર કબજો મેળવ્યો હતો. તે સમયે અમેરિકાએ બગરામ એરબેઝમાંથી પોતાનું સૈન્ય દળ પાછું ખેંચ્યું હતું.

આ પણ વાંચોઃ પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા

ચીનના ન્યૂક્લિયર શસ્ત્રાગારનો પણ કર્યો ઉલ્લેખ

ટ્રમ્પે આ અંગે માહિતી આપતાં વધુમાં કહ્યું કે, 'આ સ્થળ (બગરામ એરબેઝ) પાછું મેળવવા પાછળનું કારણ અફઘાનિસ્તાન નહીં, પણ ચીન છે. કારણકે, તે ચીનના ન્યૂક્લિયર શસ્ત્રો બનાવતા સ્થળેથી કલાકના અંતરે છે. અમે બગરામમાં નાનકડી સૈન્ય ટુકડી મોકલવા જઈ રહ્યા છીએ.'

ટ્રમ્પનું આ નિવેદન સંકેત આપે છે કે, અમેરિકા ચીન પર નજર રાખવા માગે છે. ટ્રમ્પ અને તેના નેશનલ સિક્યુરિટી ઓફિસર્સ બગરામને વિવિધ પરિબળો તરીકે જોઈ રહ્યા છે. જે ચીનના ન્યૂક્લિયર શસ્ત્રોના ઉત્પાદન કરતાં સ્થળથી 500 માઈલ દૂર છે. વધુમાં અફઘાનિસ્તાનના દુર્લભ ખનીજો અને માઈનિંગ સેક્ટર પર વર્ચસ્વ સ્થાપિત કરવા અને આઈએસઆઈએસને ટાર્ગેટ કરવા માગે છે. 

બે દાયકાથી યુએસ સેનાની તાકાત હતું

અફઘાનિસ્તાન લગભગ છેલ્લા બે દાયકાથી યુએસ સેનાની તાકાતના કેન્દ્ર તરીકે કામ કરતુ હતું. જુલાઈ, 2021માં તાલિબાને અફઘાનિસ્તાનનો કંટ્રોલ મેળવતાં અમેરિકાએ પોતાની સૈન્ય ટુકડી બગરામ એરબેઝમાંથી પાછી બોલાવી હતી. તે સમયે અમેરિકાની સેનાએ 900 C-17 કાર્ગો લૉડ્સ દૂર કર્યા હતા. જ્યારે 16,000થી વધુ શસ્ત્રો નષ્ટ કર્યા હતા.

ફરી અફઘાનિસ્તાનમાં ઘૂસશે અમેરિકાની સેના! ટ્રમ્પે એરબેઝ પરત લેવાની જાહેરાત કરતાં હલચલ 2 - image

Tags :