અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા જઈ રહ્યા છે રેપર કેની વેસ્ટ, ટ્વિટર પર જાહેરાત
ટેસ્લા કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ એલન મસ્ક એ કેનીને પોતાનું સમર્થન આપ્યું
વૉશિંગ્ટન, તા. 5 જુલાઈ 2020, રવિવાર
અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટેના મેદાનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઈડન ઉભા રહ્યા છે અને તે બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે.
ત્યારે આ બધા વચ્ચે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર અને રેપર કેની વેસ્ટ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે તેવા સમાચાર સામે આવ્યા છે. તેના અનુસંધાને જ તેમણે સોશિયલ મીડિયા પર એક ભારે મોટી જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે કેની વેસ્ટ
કેની વેસ્ટ એ સોશિયલ મીડિયા પર એક ટ્વિટના માધ્યમથી પોતે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા જઈ રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'ભગવાન પર વિશ્વાસ રાખીને આપણે હવે અમેરિકાના તે વચનને સમજવું જોઈએ, એક વિઝન સાથે દેશના ભવિષ્ય અંગે વિચારવું જોઈએ. હું અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા જઈ રહ્યો છું.'
કેની વેસ્ટની આ જાહેરાત સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરનાર કેની વેસ્ટ ચૂંટણી લડે તે ખૂબ અર્થપૂર્ણ છે. હવે તેઓ આ રેસમાં કેટલા આગળ જશે તે તો સમય જ બતાવશે પરંતુ તેમની આ જાહેરાતથી સૌ કોઈની ઉત્સુકતા વધી છે.
કેનીના આ નિર્ણયને અનેક મોટા સેલેબ્સનું સમર્થન મળવું શરૂ થઈ ગયું છે. ટેસ્લા કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ એલન મસ્ક એ કેનીને પોતાનું સમર્થન આપ્યું છે. એલન મસ્કે ટ્વિટમાં તમને (કેની) મારૂં સંપૂર્ણ સમર્થન છે તેવું લખ્યું હતું.
અગાઉ પણ ઈચ્છા વ્યક્ત કરેલી
નવાઈની વાત એ છે કે કેનીએ અગાઉ પણ રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરેલી પરંતુ તે સમયે તેમણે 2024ની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવેલી. પરંતુ હવે એક ટ્વિટ કરીને તેઓ પોતે 2020ની ચૂંટણી લડવા જઈ રહ્યા છે તેમ કહે તે અનેક અર્થમાં મહત્વપૂર્ણ છે.
કેનીને રાજકારણ અંગે કેટલી સમજણ છે તે કહેવું તો મુશ્કેલ છે પરંતુ તેમણે અનેક વખત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લીધી છે. તેમને પોતાની પત્ની કિમ કર્દાશિયા સાથે વ્હાઈટ હાઉસમાં જવાની તક પણ મળેલી છે.