શિકાગોમાં આડેધડ ફાયરિંગ, 14 લોકો ગંભીર રીતે ઘવાયા
એસયુવીમાં સવાર વ્યક્તિએ અંતિમ સંસ્કારમાં સામેલ લોકો પર ગોળીબાર શરૂ કરેલો અને સામે તે લોકોએ પણ ગોળીઓ ચલાવી હતી
નવી દિલ્હી, તા. 22 જુલાઈ 2020, બુધવાર
અમેરિકાના શિકાગોમાં મંગળવારે સાંજના સમયે આડેધડ ફાયરિંગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. એક કાર્યક્રમ દરમિયાન હુમલાખોરે બધા સામે બંધૂક તાકી દીધી હતી અને આડેધડ ગોળીબાર કરવા લાગ્યો હતો. ગોળીબારની આ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસ મામલે શિકાગો પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધી છે.
પોલીસના કહેવા પ્રમાણે શિકાગોના ગ્રેશમ ખાતે મંગળવારે સાંજના સમયે એક અંતિમ સંસ્કાર દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થઈ ગયા હતા. પશ્ચિમ 79મી સ્ટ્રીટના 1,000 નંબરના બ્લોકમાં સાંજે 7:30 કલાક પહેલા ગોળીબારની ઘટના બની હતી. આ કેસ મામલે પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધી છે પરંતુ હજુ પણ હુમલાખોર અંગે કોઈ જાણકારી સામે નથી આવી.
પોલીસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે એસયુવીમાં સવાર એક વ્યક્તિએ બ્લોક પર અંતિમ સંસ્કારમાં હિસ્સો લેનારા લોકો પર ગોળીઓ ચલાવી હતી. ત્યાર બાદ અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ પણ આડેધડ ગોળીઓ ચલાવી હતી અને એસયુવી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થયા છે જેમને પાંચ વિભિન્ન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શિકાગો ફાયર વિભાગના પ્રવક્તા લૈરી લૈંગફોર્ડે અગ્નિશામક દળે ઘટના સ્થળેથી કુલ 11 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હોવાની માહિતી આપી હતી. જ્યારે અન્ય લોકોને વિભિન્ન હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઘટના સ્થળે ઉપસ્થિત અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે અને ત્યાંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમણે અનેક રાઉન્ડ ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.
સ્થાનિક નિવાસી અર્નિટા ગર્ડરે ઘટના સ્થળે બધે લાશ વિખરાયેલી હોય તેવો માહોલ હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે લોકોને પગ, પેટ, પીઠ સહિતની બધી જ જગ્યાએ ગોળીઓ મારવામાં આવી હતી અને તે યુદ્ધ હોય તેમ લાગી રહ્યું હતું. શિકાગો પોલીસે ફાયરિંગ પાછળના મુખ્ય ઉદ્દેશની શોધ આરંભી છે અને એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ તેની પુછપરછ કરવામાં આવી રહી છે.