Get The App

VIDEO : વોશિંગ્ટન ડીસીમાં સ્થિતિ બેકાબૂ, ટ્રમ્પ તંત્રએ ત્રણ રાજ્યોમાંથી 700 સૈનિકો બોલાવ્યા

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : વોશિંગ્ટન ડીસીમાં સ્થિતિ બેકાબૂ, ટ્રમ્પ તંત્રએ ત્રણ રાજ્યોમાંથી 700 સૈનિકો બોલાવ્યા 1 - image


Washington DC : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેયર મ્યુરિયલ બાઉઝર વચ્ચેના રાજકીય સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. ટ્રમ્પ પ્રશાસને અહીં કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે ત્રણ રિપબ્લિકન રાજ્યોમાંથી લગભગ 700 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, જેને સ્થાનિક પ્રશાસને અનેક સવાલો ઉભા કરીને વખોડી કાઢ્યો છે.

વોશિંગ્ટન ડીસીમાં હિંસક ગુના વધ્યા, વ્હાઈટ હાઉસનો દાવો

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે રાજધાનીમાં હિંસક ગુનાઓ અને અરાજકતા એટલી વધી ગઈ છે કે અહીંનો હત્યા દર બોગોટા, મેક્સિકો સિટી અને ઇસ્લામાબાદ જેવા શહેરો કરતાં પણ વધુ છે. તેમણે આ સ્થિતિને "જાહેર સુરક્ષા કટોકટી" ગણાવીને પોતાની સરકારને 'હિંસક ગેંગ અને અપરાધીઓથી રાજધાનીને મુક્ત કરાવવાનો' સંકલ્પ વ્યક્ત કર્યો.

ટ્રમ્પ અને વોશિંગ્ટન ડીસીના મેયર વચ્ચે વિવાદ

જોકે, બાઉઝરે ટ્રમ્પના દાવાઓને સીધા જ પડકાર્યા છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં 2024માં હિંસક ગુનાઓ 30 વર્ષના સૌથી નીચલા સ્તરે હતા અને 2025ના પ્રથમ છ મહિનામાં પણ તેમાં 26 ટકાનો વધુ ઘટાડો નોંધાયો છે. ડેટા મુજબ, 2024માં હત્યા દર પ્રતિ એક લાખે 27.3 હતો, જે 2023ના 39.4 કરતાં ઘણો ઓછો છે. 

આ પણ વાંચો : 'હું કોઈ પદનો ઈચ્છુક નથી...' સત્તાપલટાની આશંકાઓ વચ્ચે પાક. જનરલ અસીમ મુનીરનું નિવેદન

બાઉઝરનો ટ્રમ્પ પર આક્ષેપ

બાઉઝરના મતે, ટ્રમ્પનું આ પગલું વાસ્તવિકતાથી દૂર અને રાજનીતિથી પ્રેરિત છે, જે સ્થાનિક વહીવટીતંત્રની સ્વાયત્તતા માટે મોટો પડકાર છે. વેસ્ટ વર્જિનિયા અને સાઉથ કેરોલિના જેવા રિપબ્લિકન રાજ્યોએ તાત્કાલિક સૈનિકો મોકલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સૈનિકો સ્થાનિક પોલીસ સાથે મળીને ફેડરલ સંપત્તિઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ટ્રમ્પના નિર્ણયથી નાગરિકોમાં રોષ

ટ્રમ્પના નિર્ણયથી વોશિંગ્ટન ડીસીના સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે શેરીઓમાં ઉતરીને ‘અમારા રસ્તાઓ પરથી હટો’ જેવા નારા લગાવી રહ્યા છે. ડેમોક્રેટિક નેતાઓ અને કાર્યકર્તાઓએ આને સંઘીય શક્તિનો સ્પષ્ટ દુરુપયોગ ગણાવ્યો છે.

ટ્રમ્પે અગાઉ કેપિટલ હિલ નેશનલ ગાર્ડ ઉતાર્યા હતા

આ પહેલીવાર નથી કે ટ્રમ્પે નેશનલ ગાર્ડનો ઉપયોગ કર્યો હોય. 2020માં જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ થયેલા પ્રદર્શનો અને 2021માં કેપિટલ હિલ હુમલા દરમિયાન પણ સૈનિકોની તૈનાતી કરવામાં આવી હતી. આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ પગલું માત્ર સુરક્ષા સંબંધિત નથી, પરંતુ એક ગહન રાજકીય રણનીતિનો ભાગ છે.

આ પણ વાંચો : સીઝફાયર માટે પુતિન સામે નતમસ્તક થવા તૈયાર ડોનાલ્ડ ટ્રમ્પ, યુક્રેનને થશે ભારે નુકસાન

Tags :