મારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઈચ્છા, અમેરિકાના ઉપપ્રમુખના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં વિવાદ

US Vice President JD Vance: અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સે મિસિસિપીમાં યોજાયેલા ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સને લઈને આપેલા નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં મોટો વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું કે, 'મને આશા છે કે હિન્દુ પરિવારમાં ઉછરેલા મારી પત્ની ઉષા વેન્સ એક દિવસ કેથોલિક ચર્ચથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવશે.'
'મારા જેવી જ બાબતોથી પ્રભાવિત થાય...'
કાર્યક્રમમાં જ્યારે જે.ડી. વેન્સને તેની પત્નીના ધર્મ પરિવર્તન અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો કે, 'ઉષા રવિવારે મારી સાથે ચર્ચમાં આવે છે. હું હંમેશા તેને કહું છું, હા, હું ઇચ્છું છું કે તે પણ મારા જેવી જ બાબતોથી પ્રભાવિત થાય. હું ખ્રિસ્તી ધર્મમાં માનું છું અને હું ઇચ્છું છું કે મારી પત્ની પણ એક દિવસ તેને એ જ રીતે સમજે.'
સોશિયલ મીડિયામાં વિવાદ
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સનું આ નિવેદન સોશિયલ મીડિયા અને ભારતીય-અમેરિકન સમુદાયમાં ચર્ચાનો વિષય બન્યું છે. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સ તેને 'અંગત ઈચ્છા' ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સે આ નિવેદનને ભારતીય મૂળના લોકોના ધાર્મિક વિશ્વાસ પર અયોગ્ય દબાણ તરીકે જોતા તેની ટીકા કરી છે.
સંબંધોમાં ધાર્મિક તણાવનો ઇનકાર
જોકે, જે.ડી. વેન્સે પોતે સ્પષ્ટતા કરી હતી કે આ ધાર્મિક મતભેદો તેમના અંગત સંબંધોમાં કોઈ તણાવ પેદા કરતા નથી. તેણે કહ્યું કે, 'ભલે તે (ઉષા) ખ્રિસ્તી ધર્મ અપનાવે નહીં, પણ મારા માટે તે કોઈ સમસ્યા નથી. ભગવાને દરેક માનવીને સ્વતંત્ર ઇચ્છા આપી છે. આ એવી બાબતો છે જે તમે તમારા પરિવાર અને પ્રિયજનો સાથે મળીને નક્કી કરો છો.'
નોંધનીય છે કે, જે.ડી. વેન્સે પોતે વર્ષ 2019માં કેથોલિક ધર્મ અપનાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'મારા બાળકો ખ્રિસ્તી વાતાવરણમાં ઉછર્યા છે અને ખ્રિસ્તી શાળામાં ભણે છે.'
ભારતીય ઇમિગ્રન્ટ્સ પર ચર્ચા વચ્ચે નિવેદન
જે.ડી. વેન્સનું આ નિવેદન એવા સંવેદનશીલ સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં H-1B વિઝા અને ભારતીય ઇમિગ્રન્ટ્સ પર ચર્ચા વધુ તીવ્ર બની છે. તાજેતરમાં ભારતીયો સામે વંશીય અપમાન અને નફરતભર્યા ભાષણોમાં વધારો થયો છે, જેના કારણે આ નિવેદન વધુ ધ્યાન ખેંચી રહ્યું છે.

