અમેરિકા ચીન પર લાગેલો 100 ટકા ટેરિફ હટાવશે! સ્કોટ બેસન્ટે કહ્યું- 'બંને દેશો વચ્ચે સહમતી...'

US - China Trade Deal: અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને રોકવાની દિશામાં પ્રયાસો વધ્યા છે. ત્યારે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે રવિવારે જાહેરાત કરી હતી કે બંને દેશો એક "મહત્ત્વપૂર્ણ ફ્રેમવર્ક કરાર" પર પહોંચ્યા છે, જે ચીની માલ પર 100% ટેરિફ લાદવાની અમેરિકાની અમેરિકાની યોજનાને ટાળી શકે છે. વધુમાં, ચીન પણ દુર્લભ ખનીજ પર નિકાસ નિયંત્રણોને અસ્થાયી રૂપે સ્થગિત કરી શકે છે. આ કરાર અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે આવતા અઠવાડિયે થનારી બેઠક પહેલા કરવામાં આવ્યો છે.
100% ટેરિફની જરૂર રહેશે નહીં!
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે NBCના મીટ ધ પ્રેસ કાર્યક્રમમાં કહ્યું કે, 'મને નથી લાગતું કે આપણે 100% ટેરિફ લાદવા પડશે. મને આશા છે કે ચીન તેના દુર્લભ ખનીજ નિકાસ નિયંત્રણોને પણ થોડા સમય માટે સ્થગિત કરશે. આ ફ્રેમવર્ક હેઠળ બંને દેશો સંતુલિત વેપાર, અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી અને ફેન્ટાનાઇલ કટોકટી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.'
ટ્રમ્પ-શીની બેઠકમાં અંતિમ શરતો નક્કી કરાશે
બેસન્ટે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને શી જિનપિંગ કરારની અંતિમ શરતો પર નિર્ણય લેશે. બંને નેતાઓ આગામી સપ્તાહે દક્ષિણ કોરિયામાં મળવાના છે. અમેરિકાએ અગાઉ ચેતવણી આપી હતી કે જો ચીન દુર્લભ ખનીજો પર નિયંત્રણ ચાલુ રાખશે, તો 1 નવેમ્બરથી નવા ત્રણ-અંકના ટેરિફ લાદવામાં આવશે.'
આ પણ વાંચો: ભારત સાથેની મિત્રતા બગાડવા અમેરિકા પાકિસ્તાનને છાવરે છે? માર્કો રૂબિયોએ આપ્યો જવાબ
આસિયાન સમિટ દરમિયાન મહત્ત્વપૂર્ણ વાટાઘાટો
આ ચર્ચા કુઆલાલંપુરમાં ચાલી રહેલા આસિયાન સમિટ દરમિયાન થઈ હતી. તેમાં ચીનના વાઈસ પ્રીમિયર હે લીફેંગ, ટોચના વેપાર વાટાઘાટકાર લી ચેંગગેંગ, અમેરિકા ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને અમેરિકા વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર સામેલ હતા. લી ચેંગગેંગે જણાવ્યું હતું કે બંને પક્ષો ટ્રેડ વોર વિરામ, ફેન્ટાનાઇલ અને નિકાસ નિયંત્રણો જેવા મુદ્દાઓ પર શરૂઆતી સહમતી બની છે.
'અમારી વચ્ચે હવે સકારાત્મક વાતાવરણ'
બેસન્ટે પત્રકારોને કહ્યું કે, 'મને લાગે છે કે નેતાઓ વચ્ચે ગુરુવારની બેઠક માટે અમારી પાસે ખૂબ જ મજબૂત ફ્રેમવર્ક તૈયાર છે. મને વિશ્વાસ છે કે અમે ચીન સાથે કરાર સુધી પહોંચીશું. વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.'
ટ્રેડ વોર હળવું કરવા તરફ એક મોટું પગલું
આ કરારને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને ઓછો કરવા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો ટેરિફ, નિકાસ નિયંત્રણો અને જવાબી પ્રતિબંધોને કારણે તણાવનો સામનો કરી રહ્યા છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટ્રમ્પ-શી બેઠકમાં સોયાબીન વેપાર, તાઇવાન મુદ્દો અને હોંગકોંગના મીડિયા ઉદ્યોગપતિ જિમી લાઇની મુક્તિ જેવા મુદ્દાઓ પર સકારાત્મક જાહેરાતો થઈ શકે છે.

