અમેરિકન સબમરીને શ્રીલંકન દરિયાકાંઠા પાસે ઈરાનનું જહાજ ડૂબાડ્યું, 80 લોકોના મોતની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Attack On Iranian Ship Near Sri Lankan Coast : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિ હવે શ્રીલંકાના દરિયાકાંઠા સુધી પહોંચી ગઈ છે જેના કારણે વૈશ્વિક તણાવમાં ભારે વધારો થયો છે. અમેરિકાએ શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા પાસે ઈરાની જહાજ પર સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરી તેને ડૂબાડી દીધું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હોવાના આશંકા છે, જ્યારે 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.
અમેરિકન સબમરીને ઈરાની જહાજ પર હુમલો કરતા ડૂબ્યું
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ હુમલાની વિગતો આપતા જણાવ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ ઘટના અંગે નિવેદન આપતા કહ્યું કે 'એક અમેરિકન સબમરીને ઈરાની જહાજને ડૂબાડી દીધું છે જે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પોતાને સુરક્ષિત માની રહ્યું હતું. આ જહાજ ટોર્પિડો દ્વારા ડૂબાડવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ટોર્પિડો દ્વારા દુશ્મનના જહાજને ડૂબાડવાની આ પ્રથમ ઘટના છે.'
આ પણ વાંચો : સાઉદી અરેબિયા પર ફરી મોટો હુમલો, દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની પર ડ્રોન ઝીંક્યા
શ્રીલંકાએ માનવતાના ધોરણે મદદ કરી
શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિથા હેરથે જણાવ્યું હતું કે, બુધવારે વહેલી સવારે ઈરાની નેવી જહાજ આઈરિસ દેના તરફથી મદદ માટેનો સંદેશ મળ્યો હતો. ક્રૂ સભ્યોએ વિસ્ફોટ થયો હોવાની જાણ કરી હતી. હેરથે વિગતો આપતા કહ્યું કે 'સંદેશ મળતાં જ સવારે 6 વાગ્યા સુધીમાં અમે એક નૌકાદળનું જહાજ રવાના કર્યું હતું અને 7 વાગ્યા સુધીમાં બીજું જહાજ મોકલ્યું હતું.' આ ઘટના ગાલે શહેરથી 44નોટિકલ માઈલ દૂર શ્રીલંકાના આર્થિક ક્ષેત્રમાં બની હતી. બચાવવામાં આવેલા 32 સભ્યોને ગાલેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જહાજની સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય કર્યા બાદ કરાયો હુમલો
સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા પહેલા ઈલેક્ટ્રોમેગ્નેટિક સાધનો દ્વારા જહાજની સંરક્ષણ સિસ્ટમને નિષ્ક્રિય કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બે ટોર્પિડો જહાજની મધ્યમાં વાગ્યા હતા. આ હુમલો અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ વધતા તણાવનું પરિણામ માનવામાં આવે છે. મધ્ય પૂર્વની બહાર ઈરાની સૈન્ય પર અમેરિકાનો આ પ્રથમ મોટો હુમલો છે જે યુદ્ધના વ્યાપમાં મોટા વધારાનો સંકેત આપે છે. બીજી તરફ ઈરાને પણ વળતા પ્રહાર તરીકે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલનું પરિવહન અટકાવી દીધું છે અને મધ્ય પૂર્વના વિવિધ દેશો પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે.









